વડોદરાની સરકારી SSG હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાત્રિના સમયે દર્દીઓને સ્ટ્રેચર વગર રઝળતા જોઈ શકાય છે. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સ્ટ્રેચર જેવી પ્રાથમિક સુવિધા પણ ન મળતી હોવાના દૃશ્યોએ હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીમારી અને પીડાથી પરેશાન દર્દીઓને સારવાર મેળવવા માટે પણ આવી હાલાકી ભોગવવી પડે તે અત્યંત દુઃખદ બાબત છે.
સાધનો પૂરતાં છે તો દર્દીઓને સ્ટ્રેચર કેમ ન મળ્યાં?
વીડિયો વાયરલ થયા બાદ SSG હોસ્પિટલના RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે હોસ્પિટલ તંત્રનો પક્ષ રજૂ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, SSG હોસ્પિટલ પાસે પૂરતાં સાધનો ઉપલબ્ધ છે અને સ્ટ્રેચરની પણ કોઈ અછત નથી. આમ છતાં દર્દીઓને સ્ટ્રેચર વગર મુશ્કેલી વેઠવી પડી હોય તો તે દુઃખદ બાબત છે.
RMOની કડક ચેતવણી, જવાબદારો સામે થશે કાર્યવાહી
RMO ડો. હિતેન્દ્ર ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવશે અને રાત્રિના સમયે ફરજ પર તૈનાત કર્મચારીઓની જવાબદારી નક્કી કરાશે. ફરજમાં બેદરકારી સામે આવશે તો સંબંધિત કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે, હોસ્પિટલમાં પૂરતાં સ્ટ્રેચર અને સાધનો હોવા છતાં દર્દીઓને રાત્રિના સમયે આવી મુશ્કેલી કેમ વેઠવી પડી? શું હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓનો યોગ્ય ઉપયોગ થતો નથી? માત્ર તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપવાથી દર્દીઓની હાલાકી દૂર થશે ખરી? સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખાં મારવાં પડે તે વ્યવસ્થાની ગંભીર ખામી દર્શાવે છે. હવે જોવાનું એ રહેશે કે હોસ્પિટલ તંત્ર માત્ર નિવેદન પૂરતું સીમિત રહે છે કે ખરેખર જવાબદારો સામે પગલાં ભરે છે.
આ પણ વાંચો : Education : ગુજરાતની ખાનગી નર્સિંગ કોલેજોમાં ખાલીખમ બેઠકોનો ભારે દસકો, 52,726 માંથી 38,271 બેઠકો પર એકેય પ્રવેશ નહીં
