માત્ર 15 વર્ષની ઉંમરે 53 બોલમાં 204 રન ફટકારીને ક્રિકેટ જગતને ચોંકાવનાર વૈભવ સૂર્યવંશીએ પોતાની ઐતિહાસિક ઇનિંગ્સ પાછળની તૈયારી અને માનસિકતા વિશે ખુલાસો કર્યો છે. UAE સામે મેદાન પર ઉતરતાં પહેલાં તેની યોજના શરૂઆતમાં સમય લઈને રમવાની હતી, પરંતુ પીચ પર બોલરોને ખાસ મદદ મળતી ન હોવાનું સમજાતાં તેણે પોતાની આક્રમક રમત પર ભરોસો મૂક્યો. વૈભવે સ્વીકાર્યું કે બેટિંગ કરતી વખતે તેને પણ દબાણ અને ગભરામણ થાય છે, પરંતુ શરૂઆતના થોડા બોલ બાદ તે સહજ બની જાય છે. તેણે કોચ ઋષિ સરની સલાહ, બિહારની કેપ્ટનશિપનો અનુભવ અને ટૂર્નામેન્ટમાં આગળના લક્ષ્ય વિશે પણ વાત કરી.
કોચની એક જ સલાહ પર અમલ કરે છે વૈભવ
વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતામાં કોચની સલાહનું મહત્ત્વ સમજાવ્યું. તેણે જણાવ્યું કે ઋષિ સર અંડર-19ના સમયથી તેને દરેક મેચ પહેલાં એક જ વાત કહેતા આવ્યા છે. કોચની સલાહ છે કે જો તે બોલને યોગ્ય રીતે જોશે તો તેના માટે રમત સરળ બની જશે. વૈભવના મતે, બેટિંગ કરતી વખતે બોલ પર ધ્યાન કેન્દ્રિત કરવું તેની રમતનો મહત્ત્વનો ભાગ છે. UAE સામેની મેચમાં પણ તેણે આ જ સલાહને અનુસરીને પોતાની રમત રમી હતી.
‘દબાણ તો હંમેશાં અનુભવાય છે’
204 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમવા છતાં વૈભવે સ્વીકાર્યું કે બેટિંગ કરતી વખતે તેને પણ દબાણ અનુભવાય છે. તેણે કહ્યું કે થોડું નર્વસ થવું સામાન્ય છે અને તે માનવીય સ્વભાવનો ભાગ છે. જોકે, વૈભવ પાસે આ દબાણમાંથી બહાર આવવાની પોતાની રીત છે. તેના કહેવા પ્રમાણે, શરૂઆતના બે કે ચાર બોલ રમ્યા બાદ તે સહજ થઈ જાય છે અને પછી સામાન્ય રીતે બેટિંગ કરવા લાગે છે. UAE સામેની મેચમાં પણ શરૂઆતમાં તેણે પીચને સમજવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉની બે મેચમાં સેટ થયા બાદ પણ તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. તેથી આ વખતે શરૂઆતમાં સમય લઈને રમવાની યોજના બનાવી હતી. પરંતુ એક-બે બોલ રમ્યા બાદ તેને લાગ્યું કે પીચ પરથી બોલરોને ખાસ મદદ મળી રહી નથી. બોલ બેટ પર સારી રીતે આવી રહ્યો હતો, એટલે તેણે પોતાની તાકાત પર ભરોસો રાખ્યો.
‘મેચને મારા નિયંત્રણમાં લઈ લીધી’
વૈભવે જણાવ્યું કે આ મેચ પહેલાં તેની માનસિકતામાં કોઈ ખાસ ફેરફાર નહોતો. તેનો ઇરાદો લાંબી ઇનિંગ્સ રમવાનો જ હતો. જો શરૂઆતમાં રમત તેના નિયંત્રણમાં ન હોત તો તે સમય લઈને રમવાનું પસંદ કરત. પરંતુ પીચ અનુકૂળ હોવાથી તેણે શરૂઆતમાં જ રમત પર નિયંત્રણ મેળવી લીધું અને પોતાની શરતો પર બેટિંગ કરી. આ જ કારણથી તે UAEના બોલરો સામે સતત આક્રમક રહ્યો અને માત્ર 28 બોલમાં સદી પૂરી કરી. ત્યારબાદ 52 બોલમાં બેવડી સદીનો આંકડો પાર કર્યો અને 53 બોલમાં 204 રન બનાવીને પાછો ફર્યો.
બિહારની કેપ્ટનશિપનો અનુભવ પણ મજેદાર
વૈભવે બિહારની કેપ્ટનશિપ વિશે પણ વાત કરી. તેણે કહ્યું કે બિહારની ટીમની આગેવાની કરવાનો અનુભવ ઘણો મજેદાર રહ્યો છે અને ટીમ પણ સારું પ્રદર્શન કરી રહી છે. તેને આશા છે કે બિહાર આ જ રીતે આગળ પણ રમશે. ભારત-એની ટીમમાં સિનિયર ખેલાડીઓ સાથેના સંબંધો વિશે તેણે કહ્યું કે તે લાંબા સમયથી તેમની સાથે છે, તેથી તેમની વચ્ચે ઘણો આરામદાયક માહોલ છે. બધા ખેલાડીઓ ખુલ્લેઆમ વાત કરે છે અને કોઈ સૂચન હોય તો તેની સાથે વહેંચે છે. વૈભવ પણ દરેકની વાત સાંભળે છે.
હવે સેમિફાઇનલ અને ફાઇનલ પર નજર
UAE સામેની ઇનિંગ્સથી પોતાની લય પાછી મળી હોવાનું વૈભવે જણાવ્યું. હવે તે ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં પણ આ જ લય જાળવી રાખવા માગે છે. તેણે આશા વ્યક્ત કરી કે ભારત-એ સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચશે અને તે પોતાની અંદાજમાં જ બેટિંગ ચાલુ રાખી શકશે.
આ પણ વાંચો: IND VS UAE: ડગઆઉટમાં ખેલાડીઓની “મારો, મારો, મારો”ની બૂમ, તિલક વર્માએ વૈભવની બેટિંગને ગણાવી તબાહી
