Vaibhav Sooryavanshiને મળી મોટી જવાબદારી! હવે આ ટીમનો બન્યો કેપ્ટન

📅 Published: November 7, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીને વધુ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. માત્ર 15 વર્ષની ઉંમરે તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27 માટે બિહારની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA) દ્વારા ટૂર્નામેન્ટની પ્રથમ 2 મેચ માટે 17 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે વૈભવ પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં બિહારની સિનિયર ટીમનું નેતૃત્વ કરશે.વૈભવની આ નિમણૂક તેના ક્રિકેટ કરિયરમાં એક મહત્ત્વપૂર્ણ પડાવ માનવામાં આવે છે. અત્યાર સુધી પોતાની આક્રમક બેટિંગથી ચર્ચામાં રહેલો આ યુવા ખેલાડી હવે કેપ્ટન તરીકે પણ પોતાની ક્ષમતા સાબિત કરશે. ટીમમાં સૂરજ કશ્યપને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.

વૈભવ સૂર્યવંશી બન્યો બિહારનો કેપ્ટન

બિહાર ક્રિકેટ એસોસિએશને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27ની પ્રથમ 2 મેચ માટે જાહેર કરેલી ટીમની કમાન વૈભવ સૂર્યવંશીને સોંપી છે. વૈભવ પહેલીવાર આ ટૂર્નામેન્ટમાં કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરશે.આ પહેલાં તેને ગયા વર્ષે બિહારની રણજી ટ્રોફી ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેણે કેટલીક મેચમાં પણ ભાગ લીધો હતો. જોકે, આ વખતે ભારતીય ટીમ સાથેની વ્યસ્તતાને કારણે તે રણજી ટ્રોફીની શરૂઆતની કેટલીક મેચ રમી શક્યો નહોતો.હવે સિનિયર ટીમનું નેતૃત્વ કરવાની તક મળતાં તેની જવાબદારી વધી ગઈ છે. ખાસ કરીને T20 ફોર્મેટમાં પોતાની આક્રમક બેટિંગથી તે ટીમને કેટલી સફળતા અપાવે છે તેના પર સૌની નજર રહેશે.

ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ ટીમ ઈન્ડિયાનો હતો ભાગ

વૈભવ સૂર્યવંશી તાજેતરમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમનો પણ ભાગ હતો. ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીમાં તેને રમવાની તક મળી હતી.શરૂઆતની કેટલીક મેચમાં વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થતાં વૈભવને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું. એક મેચમાં તેને ત્રીજા ક્રમે બેટિંગ કરવાની તક મળી હતી, પરંતુ તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો.જોકે, બીજી મેચમાં અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવા ઉતરેલા વૈભવે આક્રમક બેટિંગ કરી હતી. તે અડધી સદી ફટકારવાથી થોડા રન દૂર રહી ગયો હતો. ત્યારબાદ ઈશાન કિશન સંપૂર્ણ સ્વસ્થ થઈને ટીમમાં પાછો ફરતાં વૈભવને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થવું પડ્યું હતું.

14 નવેમ્બરથી શરૂ થશે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026-27નું આયોજન 14 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરવામાં આવશે. બિહારની ટીમ પોતાની પ્રથમ મેચ 14 નવેમ્બરે સૌરાષ્ટ્ર સામે રમશે. ત્યારબાદ 16 નવેમ્બરે રેલવે સામે બીજી મેચ રમશે.આ ટૂર્નામેન્ટમાં વૈભવની કેપ્ટન તરીકેની રમત જોવા માટે ક્રિકેટ ચાહકો ઉત્સુક છે. એક તરફ તેની બેટિંગની ચર્ચા છે, તો બીજી તરફ હવે તેની નેતૃત્વ ક્ષમતાની પણ કસોટી થશે.

આ પણ વાંચો – Yashasvi Jaiswalનો ધમાકો ! સતત બીજી સદી ફટકારી કિવી બોલરોના ઉડાવ્યા હોશ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *