રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ અને યુવાનોના કૌશલ્ય વર્ધન માટે એક અત્યંત મહત્વની જાહેરાત કરી છે. જિલ્લાના ઉદ્યોગોને સરળતાથી અને સ્થાનિક સ્તરે જ તાલીમબદ્ધ (સ્કીલ્ડ) મેનપાવર મળી રહે તે હેતુથી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત પહેલ અંતર્ગત ‘PM-SETU’ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વલસાડ જિલ્લાની 5 આઈટીઆઈ (ITI)ને રૂ. 240 કરોડના જંગી ખર્ચે અત્યાધુનિક અને હાઈટેક બનાવવામાં આવશે.
રૂ. 240 કરોડનું ફંડિંગ મોડલ: કેન્દ્ર, રાજ્ય અને ઉદ્યોગોની સહભાગીદારી
આ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલા રૂ.240 કરોડના બજેટમાં નાણાકીય યોગદાનનું સુગ્રથિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકાર રૂ.120 કરોડ, રાજ્ય સરકાર રૂ.80 કરોડ અને સ્થાનિક ઉદ્યોગો રૂ.40 કરોડનું સક્રિય યોગદાન આપશે. આ ત્રિવેણી સહયોગથી વલસાડની ITIઓમાં અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લેટેસ્ટ મશીનરી અને હાઈટેક લેબોરેટરીઓ સ્થાપવામાં આવશે.
વાપીના 7,000થી વધુ ઉદ્યોગોને સીધો લાભ; ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કોર્સ ડિઝાઈન થશે
ઉલ્લેખનીય છે કે વાપી અને તેની આસપાસના વિસ્તારમાં નાના-મોટા 7,000થી વધારે ઉદ્યોગ-ધંધાઓ ધમધમી રહ્યા છે, જ્યાં સતત અને મોટા પ્રમાણમાં સ્કીલ્ડ મેનપાવરની જરૂરિયાત રહે છે. PM-SETU યોજના અંતર્ગત ITIમાં સ્થાનિક ઉદ્યોગોની માંગ મુજબના ખાસ ટેકનિકલ કોર્સ ડિઝાઈન કરવામાં આવશે. આ પહેલથી વાપી અને વલસાડ જિલ્લાની તમામ GIDCના ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબનો તાલીમબદ્ધ સ્ટાફ મળી રહેશે, જેનાથી ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને વાર્ષિક ટર્નઓવરમાં મોટો ઉછાળો આવશે.
આ પણ વાંચો : Ahmedabadના જુહાપુરા-ફતેવાડીમાં જાહેર રોડ પર દાદાગીરી, ગાડીના બોનેટ પર કેક કાપી, ફટાકડા ફોડી ઉજવ્યો જન્મદિવસ!
