વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકા વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કરૂણ ઘટના સામે આવી છે. ઉમરગામ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા 6 બાળકો પોતાના માતા-પિતા કે પરિવારજનોને જાણ કર્યા વગર જ નજીકમાં આવેલા દરિયાકિનારે મોજમજા કરવા અને નહાવા માટે ગયા હતા. માસૂમ બાળકો દરિયાના પાણીમાં નાહી રહ્યા હતા તે દરમિયાન અચાનક દરિયામાં ભારે ભરતી આવી ગઈ હતી.
ભરતીના દરિયાઈ મોજામાં બાળકો તણાવા લાગ્યા
દરિયામાં અચાનક આવેલી ઉંચી ભરતીના કારણે મોજાના ભારે પ્રવાહમાં તમામ 6 બાળકો ઉંડા પાણીમાં તણાવા અને ડૂબવા લાગ્યા હતા. ઘટનાને પગલે કિનારે હાજર લોકો અને સ્થાનિકોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ ત્વરિત સમયસૂચકતા દાખવીને દરિયામાં ઝંપલાવી 5 બાળકોને સલામત રીતે બહાર કાઢીને તેમનો આબાદ બચાવ કર્યો હતો, જ્યારે 1 બાળક ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

ફાયર વિભાગ અને માછીમારોની બોટ દ્વારા શોધખોળ
ઘટના અંગેની જાણ થતાં જ ઉમરગામ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક દરિયાકિનારે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારોની બોટોની મદદથી દરિયાના ઉંડા પાણીમાં તણાયેલા બાળકની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કલાકોની ભારે જહમત બાદ તણાયેલા બાળકનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
