Valsad: ઉમરગામમાં સિગારેટના ભાવ મામલે બોલાચાલી બાદ મારામારી, 6ને ઈજા

📅 Published: September 6, 2026 | 📂 Category: Valsad

ઉમરગામમાં સિગારેટના ભાવ મુદ્દે બોલાચાલી બાદ બે પરિવાર વચ્ચે મારપીટ થતાં 6ને ઈજા થઈ હતી. જે બાદ તમામ ઈજાગ્રસ્તોને વલસાડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટના અંગે ઉમરગામ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી.

ઘટના અંગે પોલીસ સુત્ર પાસેથી મળતી વિગતો એવી છે કે, ઉમરગામના સુંદરવન મિર્ચીવાડી ઓધવકૃપા બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કરિયાણાની દુકાન ચલાવતા બુદ્ધસાગર શત્રુઘ્ન તિવારીની દુકાને શુક્રવારે રાત્રે બિલ્ડિંગમાં જ રહેતા ભોલા ઉપેન્દ્ર વિશ્વકર્મા સિગારેટ લેવા આવ્યો હતો. ત્યારે દુકાનમાં બુદ્ધસાગરની પત્ની અંજનીએ એક સિગારેટના રૂ. 15 કહેતા, ભોલાએ બજારમાં રૂ. 10માં મળે છે તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

આ સમયે બિલ્ડિંગમાં જ રહેતા ભોલાના પિતા ઉપેન્દ્ર વિશ્વકર્મા, ભાઈ ગણેશ, ગોપાલ ઉર્ફે ગોલુ, મોહન તથા માતા અનિતાદેવી અને પત્ની અંબિકાએ દોડી આવી બુદ્ધસાગર તથા તેના બે પુત્રો રાહુલ અને મોહિતના માથામાં મારી લોહીલુહાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ ઈજાગ્રસ્તોને પ્રથમ ઉમરગામ હોસ્પિટલમાં જે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ હતી. બીજી તરફ્ સામા પક્ષ ભોલા ઉપેન્દ્ર વિશ્વકર્માએ ફરિયાદ નોંધાવી હતી કે, તે બુદ્ધસાગરની દુકાને સિગારેટ લેવા ગયા, ત્યારે અંજનીબેને રૂ. 15 કહેતા તેણે બજાર ભાવ અંગે વાત કરી હતી. જે બાદ અંજનીબેન સાથે બોલાચાલી થતાં બુદ્ધસાગર, તેના બે પુત્રો રાહુલ અને મોહિત તથા પત્ની અંજનીએ ઉશ્કેરાઈ જઈ ભોલા સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો માર માર્યો હતો. અને રાહુલે ભોલાને હાથના ભાગે ડંડાના ફટકા માર્યા હતા. જે બાદ આસપાસથી લોકો ભેગા થઈ બંને પરિવારોને છૂટા પાડયા હતા. અને ભોલાને પણ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ ઉમરગામ પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *