Valsad : કાંઠા વિસ્તારમાં દરિયાઇ ધોવાણનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠયો, મંત્રીનો સધિયારો

📅 Published: September 11, 2026 | 📂 Category: Valsad

વલસાડ તાલુકાના દાંતી, કકવાડી, દાંડી, ભાગલ, કોસંબા, સુરવાડા તથા મગોદડુંગરી ગામોના દરિયાકિનારાનું વર્ષાનુવર્ષ ભારે ધોવાણ થઇ રહ્યુ છે. મોટી દાંતી ગામ તો આખેઆખુ દરિયામાં સમાઇ ગયું છે. બચી ગયેલા નાની દાંતી ગામના દરિયાકિનારે 34 કરોડના ખર્ચે પ્રોટેકશન વોલની કામગીરી થઇ છે. પરંતુ અન્ય ગામોના દરિયાકિનારે પ્રોટેકશન વોલ બનાવવામાં નહીં આવતા આવનારા સમયમાં અન્ય ગામો પણ નામશેષ થવાની આશંકાથી કાંઠા વિસ્તારના ગ્રામજનો ચિંતાતુર થયાં છે. કારણ કે ચાલુ ચોમાસામાં કાંઠા વિસ્તારના ગામોમાં ભરતીથી ભારે ધોવાણ થયું છે. આથી દરિયાઇ ધોવાણના પ્રશ્ને વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે આજે વિધાનસભામાં રજુઆત કરી હતી.

ધારાસભ્ય ભરતભાઇએ વિધાનસભા સત્ર દરમ્યાન આ મહત્વપૂર્ણ પ્રશ્ન રજુ કરતા જણાવ્યું હતું કે, કાંઠા વિસ્તાર હેઠળ આવતા દાંડી, દાંતી, કકવાડી, ભાગલ, કોસંબા, સુરવાડા તથા મગોદડુંગરી વિસ્તાર સહિતના ગામોમાં દરિયાઇ ભરતી, ભારે વરસાદ અને પાણીના ધોવાણને કારણે સ્થાનિક વિસ્તારો તથા ખેતીની જમીનને થતું નુકશાન અટકાવવા માટે પ્રોટેકશન વોલ બનાવવી જરૂરી છે. ધારાસભ્ય ભરતભાઇ પટેલના પ્રશ્નના જવાબમાં રાજ્યના જળસંપત્તિ વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે, દાંતી ગામે 34 કરોડના ખર્ચે પ્રોટેકશન વોલનું કામ પૂર્ણ થયું છે. દાંડી, ભાગલ, કોસંબા ગામે પ્રોટેકશન વોલની દરખાસ્ત આવી છે. જેથી જે જે ગામે સર્વે કરીને જેમ બને તેમ ત્વરીત કામ કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *