Valsad: જિલ્લામાં ચાલુ વર્ષમાં 6060 વિદ્યાર્થીઓએ શાળામાં ફરી પ્રવેશ મેળવ્યો

📅 Published: August 21, 2026 | 📂 Category: Valsad

વલસાડ ખાતે સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમમાં અપાયેલી માહિતી મુજબ શિક્ષકો, સરપંચો અને વાલીઓની જાગૃતતા અને મહેનતને કારણે શાળા છોડી ગયેલા 6060 જેટલા વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષમાં શાળામાં પુનઃપ્રવેશ મેળવ્યો છે. મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાળામાં પુનઃ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ, બાળકોને શિક્ષણ તરફ વાળનાર શિક્ષકો, સરપંચ, બી.આર.સી., સી.આર.સી. અને બી.આર.પી. તથા વાલીઓ મળી આવા કુલ 43 લોકોનું સન્માન કરાયુ હતું.

વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરીયમમાં યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે પહેલા રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મોટા પ્રમાણમાં હતો. જેમાં દિકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો તો ઘણો મોટો હતો. તે સમયે નરેન્દ્રભાઇએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. જેના ફળસ્વરૂપે હવે ડ્રોપઆઉટ રેશિયો ઘટીને ઝીરો તરફ જઇ રહ્યો છે. રાજ્ય સરકાર શિક્ષણ માટે કોઇપણ કચાશ રાખતી નથી. સાથે પારદર્શક રીતે શાળામાં શિક્ષકોની ભરતી કરી રહી છે. આ બધા આમૂલ પરિવર્તનના કારણે હવે સરકારી શાળા પણ ખાનગી શાળાઓને ટક્કર મારી રહી છે. મંત્રીએ આનંદ સાથે જણાવ્યું કે, આપણા શિક્ષકો, સરપંચો અને વાલીઓની જાગૃતતા અને મહેનતના કારણે ચાલુ વર્ષમાં 6060 વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ મેળવ્યો છે.

વલસાડ જિ.પં. પ્રમુખ હેતલબેન જે.પટેલે જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકો, વાલીઓ અને સરપંચ સહિત ગામના આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે, તે અભિનંદનને પાત્ર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *