વલસાડ નગર પાલિકાની શુક્રવારે યોજાયેલી સામાન્ય સભામાં શાસક પક્ષના જ સભ્યએ પાલિકાની ગત સભાની મિનિટ્સ મોડી મળવા મુદ્દે ભારે તડાપીટ બોલાવી હતી. મિનિટ્સ મોડી મળવાને કારણે વિકાસના કામો એક-એક વર્ષ લંબાઇ જતા હોવાનો ગંભીર આક્ષેપ મહિલા સભ્યોએ કર્યો હતો. આ ધમડાચી ગામે મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે પાલિકાને ફળવાયેલી સરકારી જગ્યાને લઇને હાલમાં ઉઠેલા વિવાદનો પડઘો સભામાં પડયો હતો. આ મુદ્દે પણ શાસક પક્ષના સભ્યએ પ્રશ્નોની ઝડી લગાવી દીધી હતી. વલસાડ પાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઓક્ટોબર માસની ફરજિયાત સામાન્ય સભામાં શાસક પક્ષના મહિલા સભ્ય જ્યોત્સનાબેન રાઠોડે ગત સભાની મિનિટ્સ સભ્યોને છેક 03 મહિના પછી મળી તેને લઇને સભામાં ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલા સભ્ય સોનલબેન પટેલે ટકોર કરી કે, મિનિટ્સ મોડી બને છે, તેથી વિકાસના કામો એક-એક વર્ષ સુધી લંબાઇ જાય છે. અને તે પછી કોન્ટ્રાક્ટરને ડામરના ભાવ વધ્યા, કપચીના ભાવ વધ્યા તેવા કારણસર ભાવ વધારો જોઇએ છે. જેનાથી સરકારને નુકસાન થઇ રહ્યુ છે. કાયદા કમિટીના ચેરમેન નિતેશભાઇ વશીએ હાલમાં વિવાદના કેન્દ્ર સ્થાને રહેલી પાલિકાને ધમડાચી ગામે મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે ફળવાયેલી સરકારી જમીન બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, આ જમીન પાલિકાના નામે થઇ નથી, પાલિકાને જમીનનો કબ્જો પણ મળ્યો નહતો. તે પહેલા જ પાલિકાના બાંધકામ એન્જિનિયર નગ્માબેને આ સરકારી જમીનને લાગુ અન્ય ખાનગી જમીનમાલિકોને ઉપરોક્ત સરકારી જમીનમાંથી રસ્તો આપવાની બાંહેધરી આપતો પત્ર આપી દીધો હતો અને જેમાં નગ્માબેને સી.ઓ. વતી સહી કરી હતી તો એ તેમનાથી થઇ શકે ? તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. વધુમાં, પાલિકાએ મોડેલ ફાયર સ્ટેશન બાંધકામનો રજૂ કરેલો નકશો ટાઉન પ્લાનિંગ વિભાગે નામંજૂર કર્યો હોવા છતાં 90 ટકા બાંધકામ કરી દેવાયુ છે, તે બાબતે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ ઉપરાંત વશીએ પાલિકાને સરકારે જેટલી જમીન ફાળવી હતી, તેમાં આશરે 40 ટકા જમીનનો કબ્જો બાજુમાં આવેલા એફ્.સી.આઈ. ગોડાઉન પાસે ચાલી આવ્યો છે. તો એ જમીનનો કબ્જો પાલિકાએ કેમ ના લીધો ? વગેરે પ્રશ્નો ઉઠાવતા, ચીફ્ ઓફ્સિરે આ બાબતે તપાસ કરીને જણાવશું તેમ કહીંને વાતનું ફીંડલુ વાળી દીધુ હતું. સભ્યોએ શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણને રાજ્ય સરકારના હાલમાં જ કરાયેલા પરિપત્ર મુજબ દૂર કરવાની કામગીરી કરવા સી.ઓ.ને ટકોર કરી હતી. જે માટે માપણીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા સભ્યોએ રજૂઆત કરી હતી. સભામાં એજન્ડા પરના 35 કામોને ચર્ચા કર્યા વગર જ મંજૂર કરી દીધા હોવાની જાહેરાત કરી દેવાઇ હતી.
Valsad: ધમડાચી ગામે મોડેલ ફાયર સ્ટેશન બનાવવાના કામે ઉઠેલા વિવાદના પાલિકાની સભામાં પડઘા
📅 Published: October 30, 2026 |
📂 Category: Valsad
