વલસાડના ધમડાચી ગામે ખાતે ને.હા.નં.48 ઉપર નવા બનેલા ઓવરબ્રિજ પરના રસ્તાની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. આ ઉપરાંત વાપી-ધરમપુર ને.હા.નં.56 ઉપર પેચવર્ક વ્યવસ્થિત રીતે નહીં થવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે બાબતે કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ આજે યોજાયેલી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠકમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો. વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે વલસાડમાં જાહેર રસ્તા પરના દબાણો
દૂર કરવામાં આવે છે અને એક-બે દિવસમાં ફરી ત્યાં દબાણ કરી દેવામાં આવતા હોવાને લઇને તેમજ કાંઠા વિસ્તારના
ગામોમાં અગરિયાઓના મીઠાના પાકને ભારે વરસાદથી થયેલ નુકસાનીનો સર્વે કરી માનવતાના નાતે
સહાય અંગે રજૂઆતો કરી હતી.
વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના
અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ
કેટલાક મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતાં. તેમણે કહ્યું હતુ કે, વાપી-ધરમપુર ને.હા.નં. 56 ઉપર પેચવર્ક વ્યવસ્થિત થયું નથી. અમદાવાદ-મુંબઇ ને.હા.નં.48 ઉપર ધમડાચી ગામે હાલમાં જ નવા બનેલા ઓવરબ્રિજનો રોડ સાવ જર્જરિત થઇ ગયો છે, ઠેકઠેકાણે મોટા ખાડા પડી ગયાં છે. આ ઉપરાંત વલસાડ હાઇવે પર આવેલી કાઠિયાવાડી હોટલની સામે પાંચ ફૂટની ઉંચી દિવાલને
કારણે વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા છે. કલેકટરે આ બાબતને ગંભીરતાથી લઇ ને.હા.ઓથોરીટીના અધિકારીને તાત્કાલિક કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે
ચોક્કસ પ્લાન કરવા સૂચનાઓ આપી હતી.
ધારાસભ્યએ કપરાડાના મેઘવાળ
ગામે જ્યોતિગ્રામ યોજના હેઠળ નિયમિત વીજળી ન મળવા બાબતે રજૂઆત કરી હતી. આ અંગે દ.ગુ.વીજ કં.લી.ના અધિક્ષક ઇજનેરે જણાવ્યું કે, અચ્છારી ફીડરથી વીજળી આપવામાં આવે છે, જેની લંબાઇ 57 કિ.મી. જેટલી છે. જે પૈકી 33.5 કિ.મી. ઓવરહેડથી અંડરગ્રાઉન્ડ કામગીરી પૂર્ણ થઇ છે અને 19 કિ.મી. લાઇન એમવીસીસી કોટેડ કરી છે. બાકી કામ બે માસમાં પૂર્ણ થતા સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે.
વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે વલસાડ
નગરપાલિકા વિસ્તારમાં આઝાદ ચોકથી મસ્જીદ થઇ કોસંબા રોડ ધોબીતળાવ, સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુની આગળ અને મહાત્મા ગાંધી રોડ, ધરમપુર રોડ સહિત અન્ય જાહેર રસ્તા પરના દબાણો દૂર કરવા રજૂઆત કરી હતી. નગરપાલિકાના અધિકારીએ દબાણકર્તાઓને નોટીસ ઉપરાંત કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા
હોવાનો ઉડાઉ જવાબ આપ્યો હતો. જેની સામે ધારાસભ્યએ દલીલ કરી હતી કે જે દબાણો દૂર કરવામાં આવે છે, એ એકાદ-બે દિવસમાં ફરી
એ જ સ્થળે ઉભા કરી દેવાય છે. જેને કારણે શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા વકરી છે. ધારાસભ્યએ કાંઠા વિસ્તારના
દાંડી, ભગલ, કકવાડી, ધરાસણા ગામે અગરિયાઓના
મીઠાના પાકને ભારે વરસાદને કારણે નુકસાન થયું હોવાથી સર્વે અંગે રજૂઆત કરી હતી. જે બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરે સ્થળ તપાસણી કરવામાં આવી હોવાનું જણાવ્યું
હતું. સાથે જ મીઠાના નુકસાન અંગે ભાગલ-દાંડી કરદીવા વિભાગ મીઠું ઉત્પાદક મંડળી ભાગળ, ધી છરવાડા વિભાગ સોલ્ટ પ્રોડયુસર્સ એન્ડ સેઇલ સોસાયટી, ધી ધરાસણા ગૃપ કો.ઓ. સોલ્ટ પ્રોડયુસર્સ એન્ડ સેઇલ સોસાયટી અને કકવાડી મીઠું ઉત્પાદક મંડળીએ અરજી કરી
હોય, નુકસાની અંગેની વિગતો, ફોટોગ્રાફ્સ, વીડિયો
સહિત ગ્રા.પં.નો દાખલો અને સાથે લીઝ રીન્યુઅલની વિગતો આપવામાં આવે તો વધુ કાર્યવાહી થઇ શકે તેમ
જણાવ્યું હતું.
