ધરમપુર તાલુકામાં જંગલની જમીન ધરાવતા ખેડૂતોને આપવામાં આવેલી નોટિસ બાબતે સિદુમ્બર ગામે ન્યાયસભા રાખવામાં આવી હતી. સભામાં ઉપસ્થિત ખેડૂતોએ તેમને પાઠવવામાં આવેલી નોટિસ બાબતે વાંધાઅરજી રજૂ કરી, લડત આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. બેઠકમાં ઉપસ્થિત ખેડૂતોએ તેમને પાઠવવામાં આવેલી નોટિસો દફ્તરે કરવાની માંગણી કરી છે. ખેડૂતોએ સહિતના આગેવાનોએ ધરમપુર તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી.
ધરમપુરના સિદુમ્બર ગામે જંગલની જમીનના પ્રશ્નોને લઇ ખેડૂતોને થતા અન્યાય સામે ન્યાય આપવવા ન્યાયસભા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી. ધારાસભ્યે જંગલની જમીન ખેડતા તમામ ખેડૂતોએ મામલતદાર કચેરીએ લોકસુનાવણીમાં હાજર રહી વાંધો રજૂ કરવાની સલાહ આપી હતી. જે બાદ આજરોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ જંગલ જમીન બાબતે તેમને પાઠવવામાં આવેલી નોટિસ સામે સામૂહિક વાંધાઅરજી રજૂ કરી હતી. વાંધાઅરજી રજૂ કર્યા બાદ ખેડૂતોએ ધરમપુર તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરી છે. જે રજૂઆતમાં આદિવાસી વિસ્તારોમાં ખેડૂતો છેલ્લી 3 પેઢીથી જંગલની જમીન પર નાગલી, અડદ કે અન્ય પાકો લઇ પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરવા માટે ધરમપુર તા.પં.ના માજી સભ્ય કલ્પેશભાઈ પટેલ, સામાજિક આગેવાન રાહુલ પટેલ, નડગધરીના સરપંચ દિનેશ ભોયા, આવધાના સરપંચ સુરેશભાઈ, સિદુમ્બરના માજી સરપંચ હિતેશભાઈ, બોપીના માજી સરપંચ નવસુભાઈ સહિતના આગેવાનો અને ખેડૂતો હાજર રહ્યા હતા.
