Valsad : ધરમપુરમાં સામાજીક ન્યાય સમિતિની રચના મુદ્દે ઉઠેલા વિવાદ પર પૂર્ણવિરામ

📅 Published: September 11, 2026 | 📂 Category: Valsad

ધરમપુર તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતિની રચનાને લઇને સર્જાયેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. ડી.ડી.ઓ.ના આદેશ બાદ શુક્રવારે યોજાયેલી ખાસ સામાન્ય સભામાં સામાજીક ન્યાય સમિતિની નવેસરથી રચના નવેસરથી કરીને તેમાં વિપક્ષના સભ્ય ઇલેશભાઇ સુરતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ધરમપુર તા.પં.ના પ્રમુખ શકુંતલાબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને તેમજ ટી.ડી.ઓ. ધીરૂભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ખાસ સભામાં સામાજીક ન્યાય સમિતિની રચનાનો મુદ્દો હાથ ધરાયો હતો. જુન મહિનામાં યોજાયેલી સામાન્ય સભામાં સામાજીક ન્યાય સમિતિની રચનાનું કામ હાથ પર ધરાતા શાસક ભાજપ તરફથી સમિતિના સભ્યપદ માટે પૂનમબેન રણછોડભાઇ ચૌધરી, મીનાબેન રમણભાઇ ભોયા, ઉમેદભાઇ માંદાભાઇ પઢેર, હરીલાલ રાજીરામભાઇ ચૌધરી અને રીનાબેન કિરણભાઉ વાઢુના નામની દરખાસ્ત કરાઇ હતી. તો વિપક્ષ કોંગ્રેસ તરફથી પણ પાંચ નામો રજુ કરાયા હતાં. જેથી ચૂંટણી હાથ ધરાતા ભાજપના ઉમેદવારોનો 13 વિરુદ્ધ 10 મતથી વિજય થયો હતો. જો કે સામાજીક ન્યાય સમિતિની રચના કરાઇ હતી, તેમાં નિયમ મુજબ વાલ્મિકી (સફાઇ કામદાર) વર્ગના એક સભ્યનો સમાવેશ કરાયો નહીં હોવાને લઇને વિપક્ષના પાંચ સભ્યોએ વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. ડી.ડી.ઓ. અતિરાગ ચપલોતે સાધનિક પુરાવા અને દસ્તાવેજોના આધારે સુનાવણી હાથ ધરીને જુનમાં સામાજીક ન્યાય સમિતિની રચનાનો ઠરાવ પ્રતિસેત કરી દઇને નવેસરથી રચના કરવાનો હુકમ કર્યો હતો. જે મુજબ શુક્રવારે યોજાયેલી ખાસ સભામાં શાસક પક્ષ દ્વારા સામાજીક ન્યાય સમિતિમાં ઉમેદભાઇ પઢેરનું નામ રદ કરીને તેમના સ્થાને વિપક્ષના ઇલેશભાઇ સુરતીનો સમાવેશ કરતા વિવાદ સમાપ્ત થયો હતો. સભામાં, કચેરીમાં કૉમ્પ્યુટર ઓપરેટરની નિમણૂંક કરવા બાબતની ચર્ચા પણ કરાઇ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *