Valsad : ધીમસા કાકરિયા પાસે કાર ઝાડ સાથે અથડાતા ત્રણનાં મોત, અન્ય બે ગંભીર

📅 Published: September 18, 2026 | 📂 Category: Valsad

સંજાણ-ભીલાડ રોડ પર તુંબ નજીક ધીમસા કાંકરિયા પાસે ગુરુવારે મોડી રાત્રે સ્વિફ્ટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયયો હતો અને પાંચેય વ્યક્તિઓ કારમાં ફ્સાઈ ગયા હતા. અકસ્માતમાં ત્રણનાં મોત થયા હતા, જ્યારે બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

મળતી માહિતી મુજબ, ગુરુવારે મધરાત્રિના સમયે બાલારામ ઉર્ફે કિશન ભંવરલાલ મેઘવાલ (ઉં.વ. 27, રહે. સોળસુંબા, ક્રિષ્ના નગર, મૂળ રાજસ્થાન), નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ (ઉં.વ. 30, રહે. સોળસુંબા, શિવમ વિલા, મૂળ રાજસ્થાન), અર્જુન ત્રિયોગીનાથ શાહ (ઉં.વ. 26, રહે. સુંદરવન, ગાંધીવાડી), વિક્રમસિંહ સંપતસિંહ સોહાન (ઉં.વ. 23) અને જાલમસિંહ મધસિંહ રાજપુત (ઉં.વ. 30) કારમાં ભીલાડથી સંજાણ તરફ્ આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રિના આશરે અઢી વાગ્યાના અરસામાં તુંબ નજીક ધીમસા કાંકરિયા પાસે કાર રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ધડાકાનો અવાજ થતાં આજુબાજુના સ્થાનિકો અને પસાર થતા વાહનચાલકો દોડી આવ્યા હતા અને 108, પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી. જે બાદ ઉમરગામ પોલીસ, ઉમરગામ નગરપાલિકા, જીઆઈડીસી નોટિફાઇડ, સરીગામ નોટિફાઇડ અને વાપી ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી.

અકસાન એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. અને પાંચેય કારમાં દબાઈ ગયા હતા. ફાયર વિભાગની ટીમે કટર નો ઉપયોગ કરી કારના પતરાં કાપી ભારે જહેમત બાદ પાંચેયને કારમાંથી બહાર કાઢયા હતા અને ઉમરગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાલારામ ઉર્ફે કિશન ભંવરલાલ મેઘવાલ, નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ રાઠોડ અને અર્જુન ત્રિયોગીનાથ શાહને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિક્રમસિંહ સંપતસિંહ સોહાન અને જાલમસિંહ મધસિંહ રાજપુતને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાંથી જાલમસિંહ રાજપુતની હાલત ગંભીર હોવાથી સુરત સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *