વલસાડ : વલસાડના વોર્ડ નં. 7માં ધોબીતળાવ પોલીસ ચોકીની પાછળ, શાપુરનગર ખાતે તા. 15મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન તથા આંગણવાડીના બાળકોને નોટબુકના વિતરણનો કાર્યક્રમ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તેમજ વલસાડ પાલિકાના ભાજપના પૂર્વ કાઉન્સિલર સોહેલ કાદરીના પુત્ર આદિલ કાદરી અને તેના સાથીઓ દ્વારા યોજાયો હતો. અહીં સુધી તો બધું ઠીક હતું, પરંતુ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો હતો, ત્યારે ખેરગામના કુખ્યાત આરોપી કે જેની સામે લવજેહાદ, ખંડણી, ધમકી, મારામારી, દારૂની હેરફેર સહિતના ગંભીર ગુના પોલીસમથકમાં નોંધાઈ ચૂક્યા છે તેમજ તેની સામે પોલીસે ગુજસીટોકનો ગુનો પણ નોંધ્યો છે, એવો આ રીઢો આરોપી આસીમ શેખ ધોબીતળાવ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આવી પહોંચ્યો હતો. કાર્યક્રમમાં હાજર લોકો પૈકી જેઓ તેને ઓળખતા હતા, તેઓ તેને ત્યાં જોઈને ચોંકી ઉઠયા હતા. સ્થાનિક મસ્જિદના મૌલાનાના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ મુસ્લિમ સમાજના આગેવાનો, મૌલાનાઓ, લઘુમતી મોરચાના હોદ્દેદારોની સાથે રીઢો આરોપી આસિમ શેખે પણ મંચ પર સ્થાન ગ્રહણ કર્યું હતું. જેને પગલે સ્થાનિક મુસ્લિમ સમાજમાં એવી ચર્ચા ચાલી હતી કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મહેમાન તરીકે તમને આવો રીઢો આરોપી જ મળ્યો !! ઉલ્લેખનીય છે કે, આરોપી આસિમ શેખ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કોર્ટે શરતી જામીન આપ્યા હતા. આ ઉપરાંત સુરતના ઉત્રાણ પોલીસે ગત તા. 09 જૂને કામરેજ ચાર રસ્તા પાસેથી એક કારમાંથી કુલ રૂ. 2.29 લાખથી વધુની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડયો હતો. એ ગુનામાં ખેરગામના રીઢા આરોપી આસિમ શેખને વોન્ટેડ જાહેર કરાયો હતો.
Valsad: ધ્વજવંદનના કાર્યક્રમમાં રીઢા આરોપીની હાજરીથી ચકચાર
📅 Published: August 16, 2026 |
📂 Category: Valsad
