Valsad: પારનેરાપારડીમાં વાંકી નદી કિનારો ઉકરડો બની ગયો, કલેક્ટરને પુરાવા સાથે ફરિયાદ

📅 Published: October 7, 2026 | 📂 Category: Valsad

વલસાડ તાલુકાના પારનેરાપારડી ગામેથી પસાર થતી વાંકી નદી વિસ્તારને અટકપારડી ગ્રામ પંચાયત દ્વારા રીતસર ઉકરડો બનાવી દીધો છે. ગામમાંથી એકત્ર કરેલા કચરાના ઢગલા ટ્રેક્ટરમાં ભરીને વાંકી નદી કિનારે ઠાલવી દીધા બાદ ગેરકાયદે સળગાવી દેવાય છે. જેના ધુમાડાથી સમગ્ર રહેણાક વિસ્તારમાં ભારે પ્રદૂષણ ફેલાતા લોકોની હાલત કફોડી બની ગઇ હોવાની લેખિત ફરિયાદ પારનેરાપારડીના રહીશોએ કલેક્ટરને કરી હતી. પારનેરાપારડી વાંકી ફળિયાના રહીશોએ કલેક્ટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે, અટકપારડી ગ્રા.પં. દ્વારા ગંદો કચરો વાંકી નદી પાસે નંખાય છે. ગ્રામજનોએ વારંવાર ટકોર કરવા છતાં કચરો નાંખીને ગંદકી કરે છે. જેથી નદીનું પાણી પ્રદૂષિત થઇ ગયું છે. આ પાણીનો ઉપયોગ ઢોર-ઢાંખરો પીવા માટે કરે છે તેમજ નદી કિનારે ઘાસચારો ઉગાડવા માટે ઉપયોગમાં લેવાય છે. ઉપરાંત કપડાં ધોવા, નાહવા અને ખેતરોમાં પિયત માટે પણ નદીના પાણીનો વપરાશ થાય છે. એવામાં જો અહીં ગંદકી કરતા રોકવામાં નહીં આવશે તો ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા છે. ગ્રામજનોએ વધુમાં રજુઆત કરી કે નદી કિનારા પાસે આવેલી ફેકટરીઓમાંથી રાત્રીને સમયે ગંદુ, પ્રદૂષિત પાણી પાઇપ વાટે છોડી દેવામાં આવે છે. ગામના જાગૃત યુવાનોએ રાત્રીના સમયે સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારીને પુરાવા સ્વરૂપે લેખિત ફરિયાદ સાથે રજૂ કર્યો હતો. આ ગંદા પાણીને કારણે નદીનું પાણી ભયંકર હદે પ્રદૂષિત થઇ ગયું છે તેવી કેફિયત પણ આ સાથે રજૂ કરાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *