વલસાડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જ હોદ્દેદારો અને સભ્યો વચ્ચેનો આંતરિક અસંતોષ હવે ઉઘાડો પડીને સપાટી પર આવ્યો છે. પાલિકાના ઉપપ્રમુખ દ્વારા ભાજપના જ મહિલા સભ્ય સાથે ગેરવર્તણૂક
અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવતાં વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
મહિલા સભ્ય જ્યોત્સનાબેન ભૂખ હડતાળ પર ઉતર્યા
આ અપમાનના વિરોધમાં વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ભાજપના મહિલા સભ્ય જ્યોત્સનાબેન મોડી રાતથી જ પાલિકા કાર્યાલય ખાતે અચોક્કસ મુદતની ભૂખ હડતાળ અને ધરણા પર બેસી ગયા છે.
કોર્પોરેટરો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો
આ ઘટનાને પગલે વલસાડ નગરપાલિકા સંકુલ ખાતે મોડી રાત્રે જ અન્ય કોર્પોરેટરો અને સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. પોતાના જ પક્ષના ઉપપ્રમુખ સામે ભાજપના મહિલા કોર્પોરેટરે મોરચો માંડતાં અને અચાનક ધરણા પર બેસી જતાં વલસાડ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.
વલસાડ પાલિકાના રાજકારણમાં ગરમાવો
સ્થાનિક સંગઠન અને મોવડીમંડળ દ્વારા વિવાદને શમાવવા અને મામલો શાંત પાડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ મહિલા સભ્ય જ્યોત્સનાબેન પોતાની માંગ અને વિરોધ પર મક્કમ જોવા મળી રહ્યા છે. પોતાના સાથી મહિલા સભ્ય સાથે થયેલા આ વર્તનથી અન્ય કોર્પોરેટરોમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે વલસાડ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આ પણ વાંચો : Vadodara : એક ફ્લેટ… અનેક યુવતીઓ… ઓનલાઈન ન્યુડ વીડિયો કોલ અને લાખોની કમાણી..! વાંચો ચોંકાવનારો કિસ્સો
આ પણ વાંચો : Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત
