વલસાડના ભાગડાવડા ગામે સ્વચ્છતા બાબતે ગ્રામ પંચાયતે એક પહેલ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો અને રસ્તાઓ પર ખોરાકનો કચરો ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગેનું ચેતવણી બોર્ડ ગામના મુખ્ય વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે. વલસાડના ભાગડાવડા ગામે છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ, મંદિરોની આસપાસ અને જાહેર સ્થળોએ લોકો વધેલો ખોરાક, એંઠવાડ અને ખોરાકનો કચરો ફેંકી દેતા હતા. તેના કારણે ત્યાં રખડતી ગાય, કૂતરા સહિતના પશુઓનું ટોળું સ્થાનિક રહીશો સહિત ગામમાંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે. આ ઉપરાંત ઠેરઠેર ગંદકી, દુર્ગંધ અને રોગચાળો ફેલાવવાનો ભય રહેતો હતો. પંચાયત દ્વારા ગ્રામજનોને વખતો વખત ગંદકી નહિ ફેલાવવાની ટકોર પણ કરવામાં આવી હતી. તેમ છતાં સમસ્યા યથાવત રહેતા આખરે પંચાયતે કડક નિર્ણય લેવાની ફરજ પડી છે. પંચાયત દ્વારા જાહેર સ્થળો કે ધાર્મિક સ્થળો પર ખોરાકનો કચરો નહિ નાંખવાની જાહેર અપીલ કરવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રામ પંચાયતે તમામ ગ્રામજનોને ખોરાકનો વધેલો કચરો જાહેરમાં નહિ નાખી તેનો યોગ્ય નિકાલ કરવા, ગામને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર રાખવા દરેક નાગરિકે તેમનો સહકાર આપવા જાહેર વિનંતી કરી છે. જો કોઈ વ્યક્તિ નિયમનો ભંગ કરતા નજરે પડે તો તેની જાણ પંચાયતને કરવા જણાવાયું છે.
Valsad: ભાગડાવડામાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારા સામે કાર્યવાહીની કવાયત
📅 Published: November 22, 2026 |
📂 Category: Valsad
