ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા વલસાડના બંદરરોડ ઔરંગા નદી ખાતે જર્જરિત જેટ્ટીના સ્થળે શુક્રવારે મુકાયેલા એક બોર્ડને કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ જેટ્ટી જર્જરિત અને અસુરક્ષિત હાલતમાં હોવાથી અહીં પ્રવેશ કરવા તથા કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર મનાઇ ફરમાવીને નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એ મુજબના લખાણ સાથેનું બોર્ડ મૂકી દેવાતા આ વખતે બંદરરોડ ઔરંગા નદી ખાતેના જેટ્ટીના સ્થળે વિસર્જન થઇ શકશે કે નહીં તેને લઇને ગણેશમંડળો ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ્, જેટીની બાજુમાં રેમ્પ બનાવવા સહિત મરામત પાછળ નગરપાલિકાએ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં જવાની આશંકા સેવાઇ રહી છે.
વલસાડની ઔરંગા નદીમાં ચાલુ ચોમાસામાં જુલાઇની 22-23 તારીખે આવેલા ભયંકર પૂરમાં બંદરરોડ ઔરંગા નદી પર બનાવેલ જેટ્ટીનું ભારે ધોવાણ થયું હતું. તેને કારણે અહીં ગણેશ વિસર્જન કરવામાં હાલાકી પડશે તેવી કાગારોળ વલસાડના ગણેશમંડળોએ મચાવીને વલસાડ નગરપાલિકાને મરામત કરાવી આપવા ભારે દબાણ સર્જ્યું હતું. હકીકતમાં જેટ્ટી અને આસપાસનો વિસ્તાર ગુજરાત મેરિટાઇમ બોર્ડના તાબા હેઠળ છે અને પાછલા ત્રણ વર્ષથી તેઓ દ્વારા આ સ્થળે વિસર્જન કરવા દેવાને લઇને અડિંગો નાંખતા આવ્યા છે.
ચાલુ ચોમાસામાં પૂરને કારણે અહીંની જેટ્ટી ખેદાન-મેદાન થઇ ગઇ છે અને આખું સ્ટ્રક્ચર જોખમી બની ગયું હોવાથી ગણેશ વિસર્જન થઇ શકે તેવી સ્થિતિ રહી ન હતી. જે મુદ્દે શહેરના કેટલાક મોટા ગજાના ગણેશમંડળો દ્વારા કલેક્ટર તેમજ વલસાડ નગરપાલિકાના સી.ઓ. અને પ્રમુખને આવેદનપત્ર આપી જેટ્ટી અને આસપાસના સ્થળોની મરામત તાત્કાલિક કરાવવાની માંગણી કરી હતી. જેટ્ટી સહિતનો વિસ્તાર વલસાડ નગરપાલિકાની માલિકીનો નહીં હોવા છતાં લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને જેટ્ટીની બાજુમાં કામચલાઉ રેમ્પ બનાવી દેવાયો છે અને વિસર્જન થઇ શકે તે મુજબની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી છે. દરમિયાન ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જેટ્ટીના સ્થળે જાહેર સૂચના એવા હેડિંગ સાથેનું બોર્ડ લગાડી દેવાયું છે. જેમાં જેટ્ટી હાલ જર્જરિત અને અસુરક્ષિત હાલતમાં હોય, તેથી આ જેટ્ટી ઉપર પ્રવેશ કરવા પર તથા કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવા પર સખત મનાઇ ફરમાવાઈ છે. તેથી હવે આ સ્થળે વિસર્જન પ્રક્રિયાને લઈને સવાલ ઉભો થયો છે.
