વલસાડ નગરપાલિકા તંત્રનો વહીવટ ખાડે
ગયો છે. શહેરના તમામ માર્ગો ખખડધજ હાલતમાં છે. કેટલાક રસ્તાઓ તો ચોમાસાના પ્રારંભ પહેલા જ બન્યા હતાં. એ માર્ગો પણ બે મહિનામાં જ બિસ્માર થઇ ગયાં છે. થોડા સમય પહેલા તહેવારોને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર દ્વારા યોજાયેલી બેઠકમાં તેમજ
શાંતિ સમિતિની અને ગણેશમંડળો સાથે પોલીસે યોજેલી બેઠકોમાં ગણેશભક્તોની બિસ્માર માર્ગોના
મરામત અંગેની રજૂઆત સંદર્ભે ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ તંત્રની તાકીદ પછી પણ વલસાડ નગરપાલિકા
તંત્ર દ્વારા રસ્તાને દુરસ્ત કરવામાં આવ્યા નથી. જેને કારણે ગણેશ આગમન યાત્રામાં મુશ્કેલી પડી રહી છે.
વોર્ડ નં.3ના મોગરાવાડીમા ગિરીરાજ હોટલ જતા માર્ગ પર હિન્દી સ્કૂલથી અક્ષરધામ સુધીનો રસ્તો
અત્યંત ખરાબ હાલતમાં છે. આ રોડ પર 750 જેટલા ઘરો આવેલા છે. આ તમામ પરિવારો નગરપાલિકામાં દર વર્ષે રૂ.4,000 જેટલો વેરો ભરે છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ રોડ પર ઠેકઠેકાણે મોટા-મોટા ખાડા પડી ગયાં છે. જે સંદર્ભે સ્થાનિક રહીશો છેલ્લા ઘણા મહિનાઓથી નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆતો કરી હોવાનું જણાવી રહ્યા છે. શનિવારે ગૌરીગણેશ વિસર્જન યાત્રા આ રોડ પરથી નીકળવાની હોવાથી સ્થાનિકોએ પાલિકામાં
બે દિવસ પહેલા જ ફરિયાદ કરી હતી. જે બાદ નઘરોળ તંત્ર દ્વારા ખાડામાં નાંખવા માટેનું જી.એસ.બી. મટીરિયલ સ્થળ પર ખડકી તો દીધું હતું, પરંતુ ખાડા પૂરવાની કામગીરી કરાઇ નહોતી. જ્યારે શનિવારે
વિસર્જન યાત્રામાં ખાડાઓને કારણે બાપ્પાની પ્રતિમાને નુકસાન ના થાય તેમજ અન્ય શ્રદ્ધાળુઓએ
હાલાકી ના ભોગવવી પડે તેવા આશયથી સ્થાનિક રહીશ અને ગૌરક્ષક રતનસિંહ રાજપૂતની આગેવાનીમાં
લોકોએ પાલિકા દ્વારા રસ્તાની બાજુમાં નાંખવામાં આવેલા મટીરિયલને જાતે તગારામાં ભરીને
રસ્તા પર પડેલા ખાડા પૂરવાની કામગીરી કરી હતી.
