વલસાડના વશિયર ગામે કથિત રીતે એક ભાજપના નેતાના સંબંધીને લાભ કરાવવા માટે પંચાયત મા.મ. વિભાગ દ્વારા કરોડોના ખર્ચે બ્રિજ નિર્માણ કરવાના પ્રકરણમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય, વલસાડ ખાતે ભૂખ હડતાળ પર બેઠેલા યૂથ કોંગ્રેસ પ્રમુખ અને મહામંત્રીના આમરણ ઉપવાસના સોમવારે પાંચમા દિવસે વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતુ.
વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની અધ્યક્ષતામાં કલેક્ટરને સુપ્રત કરાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, વશિયર ગામે ભાજપના નેતાના સંબંધીની ખાનગી માલિકીની 75,214 ચો.વાર ખેતીની જમીનમાં અંગત વપરાશ માટે સરકારી નાણાંનો દુરુપયોગ કરી કરોડોના ખર્ચે બ્રિજ તેમજ લાખો રૂપિયા ખર્ચીને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે. જે બાબતે કલેક્ટર સમક્ષ યૂથ રજૂઆતો છતાં આજદિન સુધી કોઇ નક્કર કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી. આવેદનમાં વધુમાં આ અંગે એસ.આઇ.ટી.ની રચના કરી અન્ય રાજ્યની ટીમ બોલાવીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વધુમાં આ પ્રકરણમાં કાર્યવાહીની માંગ સાથે વલસાડ શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ મીત દેસાઇ અને ઉપપ્રમુખ રાહિલ શેખ તા.13-08-26થી વલસાડ ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. ત્યારે ભૂખ હડતાળ બંધ કરાવવા યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને કાયદા વિરુદ્ધ જઇ બેનરો પણ ફાડી નાંખવામાં આવ્યા છે.
