Valsad: સરકારી ઓનલાઈન કામગીરીના ભારણના આરોપ સાથે આચાર્યનો આપઘાત, સુસાઈડ નોટથી ચકચાર

📅 Published: October 6, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નિલોશી ગામમાં ચકચારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. નિલોશી પ્રાથમિક શાળાના આચાર્ય શંકરભાઈ જાધવે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

આત્મહત્યા પહેલાં સુસાઈડ નોટ લખી

શંકરભાઈ જાધવે આત્મહત્યા કરતા પહેલાં સુસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. આ નોટમાં તેમણે પોતાના મનની વેદના વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને સરકારી ઓનલાઈન કામગીરીના વધતા ભારણને કારણે તેઓ તણાવ અનુભવતા હોવાનો ઉલ્લેખ સુસાઈડ નોટમાં કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરકારી કામગીરીના ભારણ અંગે ઉઠ્યા સવાલ

શાળામાં શિક્ષણકાર્યની સાથે આચાર્યો અને શિક્ષકોને વિવિધ સરકારી ઓનલાઈન કામગીરી કરવાની રહે છે. આવી કામગીરીના વધતા ભારણને લઈને શિક્ષક વર્ગમાં સમયાંતરે નારાજગી પણ જોવા મળે છે. આ ઘટનાના પગલે ફરી એકવાર શિક્ષકો પરના વહીવટી અને ઓનલાઈન કામગીરીના ભારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

ઘટનાથી શિક્ષકોમાં રોષ

આચાર્ય શંકરભાઈ જાધવની આત્મહત્યાના સમાચાર મળતા જિલ્લાના શિક્ષકોમાં શોક સાથે રોષની લાગણી જોવા મળી હતી. મોટી સંખ્યામાં શિક્ષકો કપરાડા ખાતે એકત્ર થયા હતા. આ ઘટનાને લઈને શિક્ષક વર્ગમાં પણ ભારે ચર્ચા શરૂ થઈ છે.

પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મહત્વની કડી

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સુસાઈડ નોટ સહિતની વિગતોના આધારે તપાસ શરૂ કરી છે. આત્મહત્યા પાછળના ચોક્કસ સંજોગો અને સુસાઈડ નોટમાં કરવામાં આવેલા ઉલ્લેખ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ઓનલાઈન કામગીરીના ભારણનો મુદ્દો ફરી ગરમાયો

કપરાડાની આ ઘટનાએ સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યો પર વધતી ઓનલાઈન તથા વહીવટી કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શૈક્ષણિક જવાબદારીની સાથે વધતી સરકારી કામગીરી શિક્ષકો પર કેટલો માનસિક બોજ ઊભો કરે છે તે મુદ્દે હવે શિક્ષક સંગઠનો અને શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તેના પર નજર રહેશે.  

આ પણ વાંચો  :   Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *