વલસાડ રેલવે સ્ટેશન જવા માટેના પાંચ પૈકીના અતિ મહત્ત્વના કહી શકાય તેવા બે માર્ગો રેલવે વિભાગે ખુલ્લા ના કરતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ધરમપુર રોડ પર સ્થિત લાલ ચર્ચ સામેનો રસ્તો માત્ર સાઇકલ અને ટુ-વ્હીલર માટે ખુલ્લો કરાય તો સ્ટેશન રોડ પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને રોજિંદા મુસાફરોની મુશ્કેલી દૂર થઇ શકે છે. જે માટે સામાજિક આગેવાને કેન્દ્રીય રેલવે મંત્રી, સાંસદ તથા ધારાસભ્યને લેખિત રજૂઆત કરી છે.
વલસાડના હાલરમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા પ્રિતેશ એ.પ્રજાપતિએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, વલસાડ હદ વિસ્તારમાં રેલવે વિભાગ દ્વારા વલસાડ શહેરને જોડતા પાંચ રસ્તા બંધ કરી દેવાયા હતાં. જેને કારણે લોકોની અવર-જવરને બહુ મોટી અસર પડી હતી. લોકોની ફરિયાદોને આધારે વલસાડ-ડાંગના સાંસદ-વ-લોકસભાના દંડક ધવલભાઇ પટેલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની વલસાડ ખાતેની મુલાકાત સમયે કરેલી અસરદાર રજૂઆત બાદ મંત્રીની સૂચનાથી રેલવે વિભાગ દ્વારા ઉડીપી હોટલ સામેનો રસ્તો, મોગરાવાડી ઇસ્ટમાં જતો રસ્તો ખુલ્લો કરાયો હતો. પરંતુ એનાથી જનતાને બહુ મોટો લાભ નથી થયો. ખરેખર તો મહત્ત્વના બે માર્ગો જેમાં, ધરમપુર રોડ લાલ ચર્ચ સામેનો રસ્તો અને ડી.એસ.પી. ઓફિસ સામેનો રસ્તો ખુલ્લો કરવાની તાતી જરૂર છે.
પ્રિતેશભાઇએ વધુમાં જણાવ્યું છે કે, લાલ ચર્ચ સામેનો રસ્તો વધુ નહીં તો સાઇકલ અને ટુ-વ્હીલર વાહનો માટે ખોલવામાં આવે તો વલસાડ શહેર તથા આજુબાજુના 20થી વધુ ગામોથી વાપી, સેલવાસ, દમણ, બીલીમોરા, નવસારી અને છેક સુરત સુધી નોકરી-ધંધાર્થે જતા લોકો તેમજ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વલસાડ રેલવે સ્ટેશન પર અવર-જવર કરવામાં સરળતા રહે તેમ છે. વળી, સાઇકલ અને ટુ-વ્હીલર તથા પગપાળા જતા લોકો માટે આ રસ્તો ખુલ્લો કરવાથી રેલવે કોલોનીમાં રહેતા લોકોને કોઇ અસર થાય તેમ નથી. તેથી આ અંગે તાકીદે યોગ્ય નિર્ણય થવો જરૂરી છે.
