Valsad News: ફૂડ સેફ્ટી વિભાગની રેડ, શંકાસ્પદ પનીર જપ્ત, એક રેસ્ટોરન્ટ સીલ

📅 Published: August 19, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લામાં પ્રજાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં અસામાજિક અને ભેળસેળિયા તત્વો સામે ફૂડ અને સેફ્ટી વિભાગે લાલ આંખ કરી છે. વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમોએ અચાનક વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને કડક કાર્યવાહી હાથ ધરી છે. તંત્રના આ આક્રમક વલણને કારણે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં વેપારીઓ અને હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ગોપાલ ડેરીમાંથી 15 કિલો શંકાસ્પદ પનીર જપ્ત, સેમ્પલ લેબમાં મોકલાયા

તપાસ ઓપરેશન દરમિયાન વલસાડના હાલર રોડ પર આવેલી પ્રખ્યાત ‘ગોપાલ ડેરી’ પર ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા આરોગ્ય માટે હાનિકારક હોવાની આશંકા ધરાવતો 15 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ સમગ્ર પનીરનો જથ્થો જપ્ત કરી લીધો છે અને તેના નમુના (સેમ્પલ) લઈને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે.

ધરમપુર રોડ પર સબ્જીવાલા રેસ્ટોરન્ટ સીલ, બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ઝડપાઈ

બીજી તરફ, વલસાડના ધરમપુર રોડ પર સ્થિત ‘સબ્જીવાલા રેસ્ટોરન્ટ’ માં પણ ફૂડ સેફ્ટી ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન રેસ્ટોરન્ટના રસોડામાંથી અત્યંત ગંદકી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યસામગ્રી મળી આવી હતી. ગંભીર બેદરકારી સામે આવતા અધિકારીઓએ સહેજ પણ ચલાવી લીધા વગર આ રેસ્ટોરન્ટને સ્થળ પર જ સીલ કરી દીધી છે.

5 રેસ્ટોરન્ટને નોટિસ: સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા આદેશ

જિલ્લામાં ચાલી રહેલી આ તપાસ ઝુંબેશ હેઠળ ફૂડ વિભાગે અન્ય 5 જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટને કાયદેસરની નોટિસ ફટકારી છે. આ તમામ સંચાલકોને કિચનમાં સ્વચ્છતા જાળવવા, શુદ્ધ સામગ્રીનો ઉપયોગ કરવા અને ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું અક્ષરશઃ પાલન કરવા આકરા આદેશો આપવામાં આવ્યા છે. ફૂડ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનાર કોઈપણ ઈસમ સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો – Valsad: ધરમપુર પાલિકા વિસ્તારમાં વિકાસ કામોની સમીક્ષા : સાધનોનું લોકાર્પણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *