Vehicle Insurance Alert: ટોલ પાર કરતાં જ ખુલશે પોલ, ગાડીનું ઇન્શ્યોરન્સ એક્સપાયર હશે તો તરત આવશે SMS!

📅 Published: November 17, 2026 | 📂 Category: Business

જો તમે તમારી ગાડીનું ઇન્શ્યોરન્સ રિન્યૂ કરાવવાનું ભૂલી ગયા છો તો હવે આ બેદરકારી તમને ભારે પડી શકે છે. અત્યાર સુધી ઘણા વાહનચાલકો માનતા હતા કે ટ્રાફિક પોલીસ રોકે નહીં ત્યાં સુધી માન્ય ઇન્શ્યોરન્સ વગર ગાડી ચલાવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.

પરંતુ હવે હાઈવે પર ટોલ પ્લાઝા પાર કરતી વખતે જ તમારી ગાડીના ઇન્શ્યોરન્સની સ્થિતિ તપાસવામાં આવી શકે છે. જો તમારી પોલિસી એક્સપાયર થઈ ગઈ હશે તો થોડી જ મિનિટોમાં તમારા મોબાઈલ પર SMS આવી શકે છે.

હકીકતમાં, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ દિલ્હીમાં આ વ્યવસ્થાનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત ટોલ પ્લાઝા પરથી પસાર થતાં વાહનોના ઇન્શ્યોરન્સની વિગતો સરકારી ડેટાબેઝ સાથે તપાસવામાં આવશે.

જે વાહનોનું થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ પૂરું થઈ ગયું છે અથવા જેમની પાસે માન્ય પોલિસી નથી, તેમના માલિકોને SMS દ્વારા એલર્ટ મોકલવામાં આવશે. આ નવી વ્યવસ્થા કેવી રીતે કામ કરશે અને વાહનચાલકોને શું અસર થશે તે જાણીએ.

કયા ટોલ પ્લાઝા પર શરૂ થયો ટ્રાયલ?

હાલમાં આ વ્યવસ્થા માત્ર દિલ્હીના મુંડકા ટોલ પ્લાઝા પર શરૂ કરવામાં આવી છે. આ ટોલ પ્લાઝા અર્બન એક્સટેન્શન રોડ-2 પર આવેલો છે. શરૂઆતનો ટ્રાયલ સફળ રહે તો આ વ્યવસ્થા દેશના અન્ય વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવી શકે છે.

આ વ્યવસ્થામાં ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને તેની સંબંધિત માહિતી વાહન (VAHAN) ડેટાબેઝમાં મોકલવામાં આવશે. આ ડેટાબેઝ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) પાસે છે. અહીં વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેના ઇન્શ્યોરન્સની તપાસ કરવામાં આવશે.

જો સરકારી રેકોર્ડમાં વાહનનું ઇન્શ્યોરન્સ એક્સપાયર થયેલું જોવા મળશે તો તેના માલિકને SMS મોકલવામાં આવશે. આ મેસેજમાં વાહનનો રજિસ્ટ્રેશન નંબર, ટોલ પ્લાઝા પાર કરવાનો સમય અને ઇન્શ્યોરન્સ પૂરું થવાની તારીખ જેવી વિગતો આપવામાં આવશે. સાથે જ પોલિસીનું વહેલી તકે રિન્યૂઅલ કરાવવાની સલાહ પણ આપવામાં આવશે.

શું તરત જ ચલણ કપાઈ જશે?

ટોલ પ્લાઝા પાર કર્યા બાદ SMS આવવાનો અર્થ એ નથી કે તે જ સમયે વાહનનું આપમેળે ચલણ કપાઈ જશે. હાલમાં આ વ્યવસ્થાનો હેતુ માત્ર વાહનચાલકોને તેમના એક્સપાયર થયેલા ઇન્શ્યોરન્સ અંગે જાણ કરવાનો અને પોલિસી રિન્યૂ કરાવવા માટે રિમાઇન્ડર આપવાનો છે. જોકે, માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ વગર વાહન ચલાવવું મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો છે.

મોટર વ્હીકલ એક્ટની કલમ 146 મુજબ જાહેર રસ્તા પર ચલાવવામાં આવતા વાહન માટે થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે. નિયમનો ભંગ કરવા બદલ કલમ 196 હેઠળ પ્રથમ વખત પકડાવા પર 2,000 રૂપિયા સુધીનો દંડ અથવા ત્રણ મહિના સુધીની જેલ અથવા બંને સજા થઈ શકે છે.

બીજી વખત નિયમનો ભંગ કરવા પર દંડની રકમ 4,000 રૂપિયા સુધી થઈ શકે છે.

શું બાઇક અને સ્કૂટર માટે પણ આ નિયમ લાગુ પડશે?

ઇન્શ્યોરન્સનો આ નિયમ માત્ર કારચાલકો માટે જ નથી. બાઇક, સ્કૂટર અને અન્ય મોટર વાહનો માટે પણ માન્ય થર્ડ પાર્ટી ઇન્શ્યોરન્સ હોવું ફરજિયાત છે. ઘણી વખત લોકો નવું વાહન ખરીદતી વખતે ઇન્શ્યોરન્સ કરાવી લે છે, પરંતુ ત્યારબાદ સમયસર તેનું રિન્યૂઅલ કરાવવાનું ભૂલી જાય છે. ખાસ કરીને જૂનાં વાહનો અને ટૂ-વ્હીલરનાં કિસ્સામાં આવી બેદરકારી વધુ જોવા મળે છે.

આ પણ વાંચો : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *