નવરાત્રિ મહોત્સવ દરમિયાન ગરબા પંડાલોની પવિત્રતા, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ સુરત મહાનગર દ્વારા એક વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સંગઠન દ્વારા ગરબા સ્થળો પર ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ નિષેધ મૂકવાની સાથે સાથે કાર્યક્રમ સાથે સંકળાયેલા તમામ સ્ટાફ અને કોન્ટ્રાક્ટરો હિન્દુ જ હોવા જોઈએ તેવી સ્પષ્ટ માંગણી કરાઈ છે. જો આયોજકો આ નિયમોમાં સહકાર નહીં આપે તો સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ઓળખપત્ર વગર પ્રવેશ નહીં, તિલક લગાવીને ઉપસ્થિત રહેવા આહવાન
VHP અધ્યક્ષ અનિલ રુંગટાએ જણાવ્યું કે, ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ વખતે દરેક વ્યક્તિનું માન્ય ફોટોવાળું ID પ્રૂફ અથવા આયોજક સમિતિ દ્વારા જારી કરાયેલ અધિકૃત પાસ તપાસ્યા બાદ જ પ્રવેશ આપવા જણાવાયું છે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિ અને નવરાત્રિના ધાર્મિક સ્વરૂપને ધ્યાનમાં રાખીને ગરબે ઘૂમતા ભાઈ-બહેનો કપાળમાં તિલક લગાવીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે માટે પ્રેરિત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ‘કેટરિંગ, સાઉન્ડથી લઈને બાઉન્સર સુધી તમામ હિન્દુ હોવા જરૂરી’
સંગઠને ગરબા આયોજનોમાં કામ કરતી વિવિધ એજન્સીઓ અને સ્ટાફ માટે કડક શરતો મૂકી છે, જેમાં ગેર-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. સ્ટેજ પર પર્ફોર્મ કરતા કલાકારો હિન્દુ હોવા જોઈએ. વીડિયોગ્રાફર અને અન્ય કોન્ટ્રાક્ટરો હિન્દુ હોવા અનિવાર્ય છે. લાઈટ અને સાઉન્ડ સિસ્ટમ સંભાળતા સંચાલકો હિન્દુ હોવા જોઈએ. કેટરિંગ વ્યવસ્થા અને પાર્કિંગ સ્ટાફ હિન્દુ હોવો જોઈએ. સુરક્ષા માટે તહેનાત કરાતા બાઉન્સર્સ પણ હિન્દુ હોવા જોઈએ. ‘છેડતી અને અયોગ્ય વીડિયોગ્રાફી પર બાજ નજર રહેશે’
બહેન-દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંદર્ભે જણાવાયું છે કે ગરબા સ્થળે કોઈપણ પ્રકારની અયોગ્ય ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, છેડતી કે શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવામાં આવે. ગેરરીતિ જણાય તો આયોજકો અને તાત્કાલિક પોલીસને જાણ કરવી. સંગઠને પોતાના કાર્યકર્તાઓને પણ સ્પષ્ટ તાકીદ કરી છે કે કોઈપણ સંજોગોમાં કાયદો હાથમાં ન લેવો. તમામ વ્યવસ્થાઓ સ્થાનિક કાયદા, પોલીસ પ્રશાસનના નિયમો અને સરકારી ગાઈડલાઈન મુજબ જ સુનિશ્ચિત કરવાની રહેશે. આ માર્ગદર્શિકા સંદર્ભે અધ્યક્ષ અનિલ રુંગટા, મંત્રી વિક્રમ સિંહ ભાટી અને સહમંત્રી કમલેશ કયાડા તથા બજરંગ દળના સંયોજકો અભિષેક સિંહ રાજપૂત અને નાગેન્દ્ર ભાઈ દ્વારા આયોજકો સાથે બેઠક કરી આ તમામ મુદ્દાઓનું પાલન કરાવવા અપીલ કરવામાં આવી છે. ‘હિન્દુ ધર્મમાં શ્રદ્ધા નથી તેમને પવિત્ર ઉત્સવમાં સામેલ કરવાનો કોઈ અર્થ નથી’
સુરત પૂર્વ વિભાગ બજરંગ દલના સહસંયોજક અભિષેક રાજપૂતે જણાવ્યું હતું કે, નવરાત્રિ એ માતાજીની ભક્તિ અને આસ્થાનો પવિત્ર તહેવાર હોવાથી, જે લોકોને હિન્દુ ધર્મ અને પૂજા-અર્ચનામાં શ્રદ્ધા નથી, તેમને આ પવિત્ર ઉત્સવમાં સામેલ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે આગળ ચેતવણી આપતા જણાવ્યું કે જો કોઈ ગેરહિન્દુ પંડાલમાં પ્રવેશ કરતા પકડાશે, તો તેની સામે કડકમાં કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. હિન્દુ તહેવારની ગરિમા અને પવિત્રતા જાળવી રાખવા માટે આયોજકોએ પણ આ બાબતનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને બજરંગ દલ આ અંગે પૂરતી તકેદારી રાખશે. પ્રતિબંધ મૂકવા પાછળનું મુખ્ય કારણ ‘લવ જેહાદ’
ગેરહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા પાછળનું મુખ્ય કારણ ‘લવ જેહાદ’ અને હિન્દુ દીકરીઓની સુરક્ષા સાથે જોડાયેલું છે. તેમણે જણાવ્યું કે નવરાત્રિ પૂર્ણ થયા પછી આવા ઘણા કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે, જ્યાં કેટલાક વિધર્મી યુવકો હિન્દુ નામ ધારણ કરીને, હાથમાં કલાવા બાંધીને પોતાની ખોટી ઓળખ ઊભી કરે છે અને હિન્દુ દીકરી-બહેનોને છેતરવાનો પ્રયાસ કરે છે. સલીમ સુરેશ બનીને હિન્દુ દિકરીઓને ફસાવે છે. આવા બનાવોને અટકાવવા માટે જ નવરાત્રિ દરમિયાન વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. તમામ વ્યવસ્થામાં માત્ર હિન્દુઓ જ હોય તેવી માગ
બીજું મહત્વનું કારણ ધાર્મિક આસ્થા અને પવિત્રતાનું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નવરાત્રિ એ માતાજીની આરાધના અને ભક્તિનો પાવન તહેવાર છે. જે લોકો હિન્દુ ધર્મ, મૂર્તિપૂજા કે આસ્થામાં વિશ્વાસ નથી ધરાવતા, તેમને ગરબા પંડાલોમાં પ્રવેશવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આથી તહેવારની ધાર્મિક ગરિમા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી તમામ વ્યવસ્થામાં માત્ર હિન્દુઓ જ હોય તેવી માંગ કરવામાં આવી છે.
VHP-બજરંગ દળની ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન:'સલીમ સુરેશ બની હિન્દુ દીકરીઓને ફસાવે છે, પ્રવેશ પર પ્રતિબંધ; બાઉન્સરથી લઈને કેટરર્સ હિન્દુ જ હોવા જોઈએ'
📅 Published: September 25, 2026 |
📂 Category: gujarati-news
