ઝારખંડની રાજધાની રાંચીના ઓરમાન્ઝી વિસ્તારમાં આવેલી દારૂની દુકાનમાં એક વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના બની. એક વાંદરી દુકાનમાં ઘૂસી, દારૂની બોટલ ખોલી, દારૂ પીધો અને નશામાં ધૂત થઈને ત્યાં જ સૂઈ ગઈ. સેલ્સમેને આ ઘટનાનો વીડિયો બનાવ્યો જેમાં નશામાં ધૂત વાંદરી આમ-તેમ કૂદતી, સેલ્સમેન પર હુમલો કરતી અને અંતે દુકાનની અંદર બેભાન થઈને સૂઈ જતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
દારૂની દુકાનમાં વાંદરીના પ્રવેશથી અફરાતફરી
શુક્રવારે સાંજે ઓરમાન્ઝી બ્લોક હેડક્વાર્ટર નજીક બાંકે બિહારી માર્કેટ બ્લોક ચોક ખાતે આવેલી દારૂની દુકાનમાં એક વાંદરી ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. સાંજે લગભગ 7.30 વાગ્યે દુકાનમાં પ્રવેશ્યા પછી, વાંદરીએ દારૂની બોટલો તોડી નાખી, દારૂ પીધો અને ભારે હોબાળો મચાવ્યો.
વાંદરીને ભગાડવાનો પ્રયાસ કરી રહેલા સેલ્સમેન પર તેણે હુમલો કર્યો, જેનાથી તેના હાથ અને પગમાં ઈજાઓ થઈ; બાદમાં તેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. દરમિયાન, વાંદરી લાંબા સમય સુધી દુકાનની અંદર આમ-તેમ કૂદતી રહી. દારૂની અસર થતાં તે દારૂના ક્રેટ્સ (પેટીઓ) પર જ સૂઈ ગઈ.
વાંદરી ગર્ભવતી હતી
થોડીવાર માટે દુકાનમાં શાંતિ છવાઈ ગઈ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વાંદરી ગર્ભવતી હતી. થોડા સમય પછી, જેમ જેમ નશો ઉતર્યો, વાંદરી ફરી દુકાનની અંદર દોડાદોડ કરવા લાગી. પ્રાણીના ડરથી દુકાનદાર અને ત્યાં હાજર લોકોએ અંતર જાળવી રાખ્યું. લાંબા સમય સુધી ભયનું વાતાવરણ રહ્યું. અંતે, આ ઘટનાની જાણ બિરસા બાયોલોજિકલ પાર્કને કરવામાં આવી.
માહિતી મળતાં જ પાર્કની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જીવવિજ્ઞાની વિવેકાનંદ અને રાકેશ અવસ્થી સહિતની ટીમે વાંદરીને સુરક્ષિત રીતે પકડી લીધી અને ત્યાંથી લઈ ગઈ. તેને ભગવાન બિરસા બાયોલોજિકલ પાર્કની પશુ ચિકિત્સાલયમાં રાખવામાં આવી છે. તે ગર્ભવતી હોવાથી તપાસમાં તે સ્વસ્થ હોવાનું સાબિત થયા બાદ પશુચિકિત્સકો તેને જંગલમાં મુક્ત કરશે.
આ પણ વાંચો: Heavy Snowfall: ચમોલીમાં હિમવર્ષા બાદ કકડતી ઠંડી… બદ્રીનાથ, હેમકુંડમાં બરફ પડ્યા બાદ ભારે વરસાદનું એલર્ટ
