ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે જીત મેળવી હતી. તિરુવનંતપુરમમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ વિકેટ માટે 135 રનની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ આખરે ટીમ 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવી શકી હતી. 296 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 42મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.ભારતની જીતમાં વિરાટ કોહલી અને શુભમન ગિલની સદીનો મોટો ફાળો રહ્યો. કોહલી 139 રન બનાવીને અણનમ રહ્યા હતા, જ્યારે ગિલે પણ શાનદાર સદી ફટકારી હતી. બંનેની બેટિંગ દરમિયાન અનેક મોટા રેકોર્ડ બન્યા હતા.
વિરાટ કોહલીના 5 મોટા રેકોર્ડ
વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં 15,000 રન પૂરા કરનાર દુનિયાના માત્ર બીજા બેટર બન્યા છે. તેમણે આ સિદ્ધિ 303 ઇનિંગ્સમાં મેળવી છે. સચિન તેંડુલકરે 15,000 વનડે રન માટે 377 ઇનિંગ્સ લીધી હતી.
2 ટીમો સામે 10 સદી
કોહલી વનડે ક્રિકેટમાં 2 અલગ ટીમો સામે 10-10 સદી ફટકારનાર પ્રથમ બેટર બન્યા છે. તેમણે વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે 10-10 સદી ફટકારી છે. સચિન તેંડુલકર અને રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 9-9 સદી ફટકારી છે.
લિસ્ટ-A ક્રિકેટમાં 60 સદી
વેસ્ટ ઈન્ડિઝ સામેની સદી સાથે કોહલીએ લિસ્ટ-A ક્રિકેટમાં સદીની સંખ્યામાં સચિન તેંડુલકરની બરાબરી કરી છે. બંનેના નામે હવે 60 સદી છે. વધુ એક સદી સાથે કોહલી આ આંકડામાં નવો વિશ્વ રેકોર્ડ બનાવી શકે છે.
ભારતમાં 42 આંતરરાષ્ટ્રીય સદી
ભારતીય ધરતી પર રમતા વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 42મી સદી ફટકારી. આ આંકડામાં તેમણે સચિન તેંડુલકરની બરાબરી કરી છે.
એક વનડે ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા
વેસ્ટ ઈન્ડિઝ સામે કોહલીએ પોતાની 139 રનની ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકાર્યા હતા. આ તેમની એક વનડે ઇનિંગ્સમાં ફટકારેલા સૌથી વધુ છગ્ગા છે.
શુભમન ગિલે પણ રચ્યો ઇતિહાસ
- વિરાટ કોહલીની સાથે શુભમન ગિલે પણ પોતાની બેટિંગથી નવા રેકોર્ડ બનાવ્યા હતા.
- ગિલ 2026માં વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયા છે. તેમના નામે 9 ઇનિંગ્સમાં 671 રન છે. તેમણે ઈંગ્લેન્ડના જો રૂટને પાછળ છોડ્યા છે, જેમણે 9 ઇનિંગ્સમાં 573 રન બનાવ્યા છે.
- શુભમન ગિલ ભારતીય ક્રિકેટમાં સૌથી ઝડપી 10 વનડે સદી ફટકારનાર બેટર પણ બન્યા છે. તેમણે માત્ર 67 ઇનિંગ્સમાં પોતાની 10મી વનડે સદી પૂરી કરી હતી. શિખર ધવને 77 અને વિરાટ કોહલીએ 80 ઇનિંગ્સમાં 10 સદીનો આંકડો પાર કર્યો હતો.
- આ રીતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે માત્ર ભારતની જીત માટે જ નહીં, પરંતુ વિરાટ કોહલી અને શુભમન ગિલના રેકોર્ડ માટે પણ યાદગાર બની રહી છે.
આ પણ વાંચો – Virat Kohliની તોફાની બેટિંગ બાદ મોટું નિવેદન,ફેન્સ થયા ખુશ
