Weather Update : સૌરાષ્ટ્રમાં આજે મેઘતાંડવની આગાહી, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર

📅 Published: September 17, 2026 | 📂 Category: Ahmedabad

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી અગમચેતી મુજબ આજે સૌરાષ્ટ્ર પંથકમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે સૌરાષ્ટ્રના આ મુખ્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરીને સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ રહેવા આદેશ આપ્યા છે.

લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય

વાતાવરણમાં એકસાથે સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફના કારણે સમગ્ર રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. દરિયામાં તીવ્ર પવન અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા માટે આકરી તાકીદ કરવામાં આવી છે. આ સિસ્ટમની અસર હેઠળ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિવિધ ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં હજુ 9 ટકા વરસાદની ઘટ

નોંધનીય છે કે ચોમાસાની સિઝન આગળ વધી રહી હોવા છતાં રાજ્યમાં હજુ પણ સરેરાશ 9 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આવા સમયે શરૂ થયેલા વરસાદના આ નવા રાઉન્ડથી ઘટ પૂરી થવાની અને ધરતીપુત્રોને ખેતી માટે મોટી રાહત મળવાની આશા જાગી છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 24થી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર યથાવત રહેશે, જેનાથી જળાશયોમાં પાણીની આવક વધશે.

આ પણ વાંચો : Ahmedabadમાં સાયબર ઠગોનો નવો કીમિયો, લગ્નની પત્રિકાના નામે APK ફાઈલ મોકલી રૂ.15.45 લાખ તારવી લીધા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *