પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ખેડૂતોને ત્રણ મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અધિકારીએ શુક્રવારે (25 સપ્ટેમ્બર) કહ્યું કે તેમની સરકાર રાજ્યના લગભગ 4 લાખ ખેડૂતોને વીજળી પર પ્રતિ યુનિટ 2 રૂપિયાની સબસિડી આપશે. આ સબસિડીનો હેતુ વીજળીના વધતા ખર્ચથી ખેડૂતોને રાહત આપવાનો છે. આ ઉપરાંત અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોને મળતી સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવા જઈ રહી છે.
PM-KISAN હેઠળ હવે 9 હજાર રૂપિયાની સહાય
પૂર્વ બર્ધમાન જિલ્લામાં એક વહીવટી સમીક્ષા બેઠકને સંબોધિત કરતા મુખ્યમંત્રી અધિકારીએ કહ્યું કે ખેડૂતોને PM-KISAN યોજના હેઠળ હવે 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાની સહાય મળશે. ત્રીજી ભેટની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર ખેડૂતો જેટલું પણ ધાન વેચવા માંગશે તે તમામ ધાન ખરીદશે. આ માટે તેમણે 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ખાતરી આપવાની જાહેરાત કરી.
ભરતી પ્રક્રિયા પારદર્શક રહેશે
આ સાથે તેમણે રાજ્યની અગાઉની સરકાર એટલે કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ સરકાર પર ખેડૂતોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો. અધિકારીએ કહ્યું, “વચેટિયા કે એજન્ટો માટે કોઈ સ્થાન રહેશે નહીં. ધારાસભ્યો ખેડૂતોના વાલી તરીકે કામ કરશે.” અધિકારીએ એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એક લાખ નોકરીઓ આપશે. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયા પારદર્શક રહેશે.
અડાણી આરોગ્ય મંદિરનો શિલાન્યાસ
એક દિવસ પહેલા ગુરુવારે શુભેન્દુ અધિકારીએ કોલકાતાના ન્યૂ ટાઉનમાં ગરીબો માટે 2,000 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે અડાણી ગ્રુપને રાજ્યમાં વધુ રોકાણ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે અડાણી ગ્રુપ બંગાળના પુનર્નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ભૂમિપૂજન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે અડાણી આરોગ્ય મંદિર 51.75 એકર જમીન પર બનાવવામાં આવશે અને આર્થિક રીતે નબળા દર્દીઓ માટે 1,000 બેડ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
‘બંગાળ માટે ઐતિહાસિક દિવસ’
મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને રાજ્ય માટે એક સીમાચિહ્ન ગણાવ્યો અને કહ્યું કે આ હોસ્પિટલ ન્યૂ ટાઉનમાં હેલ્થકેર સિટીનું કેન્દ્ર બનશે. અધિકારીએ કહ્યું, “બંગાળ માટે આ ઐતિહાસિક દિવસ છે. દેશમાં ક્યાંય પણ ગરીબો માટે આવી વ્યવસ્થા નથી.” મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર સત્તામાં આવ્યા બાદ હોસ્પિટલ પ્રોજેક્ટ ઝડપથી આગળ વધ્યો છે. મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા બાદ કરણ અડાણી મને મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ ન્યૂ ટાઉનમાં આધુનિક હોસ્પિટલ બનાવવા માંગે છે. મેં સંમતિ આપી હતી. ગૌતમ અડાણીની મંજૂરી મળ્યા બાદ થોડા જ મહિનામાં હોસ્પિટલનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મુસ્લિમ વોટર્સ માટે પરીક્ષા છે કે.. પેટાચૂંટણી પહેલા બોલ્યા CM શુભેન્દુ અધિકારી
