Women Asia Cup 2026 : ફરી જોવા મળશે IND W vs PAK W, સમજો એશિયા કપ ફાઈનલના સમિકરણો

📅 Published: September 7, 2026 | 📂 Category: cricket

મહિલા એશિયા કપ 2026માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે.હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ લીગ તબક્કામાં સતત 3 જીત મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.બીજી તરફ ગ્રુપ Bમાંથી શ્રીલંકાની ટીમ પણ સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.હવે ક્રિકેટ ચાહકોમાં સૌથી મોટી ચર્ચા એ છે કે શું આ ટૂર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે?હાલની સ્થિતિ પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલમાં મુકાબલો થવાની શક્યતા નથી.જોકે,બંને ટીમો પોતપોતાની સેમિફાઇનલ જીતે તો ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને આવી શકે છે.

ભારતે લીગ તબક્કાની તમામ મેચ જીતી

ભારતીય ટીમે મહિલા એશિયા કપ 2026માં અત્યાર સુધી 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે.આ સાથે ભારતના ખાતામાં 6 પોઇન્ટ છે અને ટીમે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.ગ્રુપ Aમાં પાકિસ્તાનની ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે, જેમાં તેને માત્ર 1 જીત મળી છે.પાકિસ્તાનના 2 પોઇન્ટ છે અને ટીમ હાલમાં બીજા સ્થાને છે.થાઇલેન્ડે પણ 3માંથી 1 મેચ જીતી છે અને તેના ખાતામાં પણ 2 પોઇન્ટ છે.હવે પાકિસ્તાન અને હોંગકોંગ ચીન વચ્ચે ગ્રુપ તબક્કાની છેલ્લી મેચ રમાવાની છે.જો પાકિસ્તાન આ મેચ જીતી જશે તો તે સેમિફાઇનલમાં પહોંચી જશે.પરંતુ જો પાકિસ્તાન હારી જશે તો થાઇલેન્ડ,પાકિસ્તાન અને હોંગકોંગમાંથી જે ટીમનો નેટ રન રેટ સારો હશે, તે સેમિફાઇનલમાં સ્થાન મેળવશે.

શ્રીલંકાએ પણ સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

ગ્રુપ Bમાં શ્રીલંકાની ટીમે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે.આ સાથે શ્રીલંકાએ પણ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.આ ગ્રુપમાં બાંગ્લાદેશ અને UAEના ખાતામાં 2-2 પોઇન્ટ છે, જ્યારે ઇન્ડોનેશિયા હજુ સુધી એક પણ મેચ જીતી શક્યું નથી. બાંગ્લાદેશ પોતાની છેલ્લી લીગ મેચ જીતે તો તેના સેમિફાઇનલમાં પહોંચવાની શક્યતા વધુ મજબૂત બની શકે છે.

ભારત-પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે 

મહિલા એશિયા કપના સેમિફાઇનલનું ગણિત સમજીએ તો ગ્રુપ Aમાં પ્રથમ સ્થાને રહેલી ટીમનો મુકાબલો ગ્રુપ Bની બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે.જ્યારે બીજા સેમિફાઇનલમાં ગ્રુપ Bની પ્રથમ ટીમનો સામનો ગ્રુપ Aની બીજા ક્રમે રહેલી ટીમ સાથે થશે.હાલની સ્થિતિ પ્રમાણે ભારત ગ્રુપ Aમાં પ્રથમ સ્થાને છે અને શ્રીલંકા ગ્રુપ Bમાં પ્રથમ સ્થાને છે. તેથી ભારતનો સેમિફાઇનલમાં ગ્રુપ Bની બીજા ક્રમે રહેલી ટીમ સાથે મુકાબલો થવાની શક્યતા છે.બીજી તરફ શ્રીલંકા ગ્રુપ Aની બીજા ક્રમે રહેલી ટીમ સામે રમશે.આથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલમાં મુકાબલો થઈ શકે તેમ નથી.પરંતુ જો પાકિસ્તાન પોતાની છેલ્લી લીગ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચે અને ત્યારબાદ સેમિફાઇનલ પણ જીતી જાય,જ્યારે ભારત પણ પોતાની સેમિફાઇનલ જીતે,તો મહિલા એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળી શકે છે.હવે સૌની નજર પાકિસ્તાનની છેલ્લી લીગ મેચ અને ત્યારબાદ સેમિફાઇનલના પરિણામો પર રહેશે.

આ પણ વાંચો- Duleep Trophy Final: દુલિપ ટ્રોફિની ફાઈનલમાં કુમાર કુશાગ્રની શાનદાર સદી, સિક્સરથી…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *