વિમેન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમે સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.ભારત સામે માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈને કારમી હારનો સામનો કર્યાના બે દિવસ બાદ પાકિસ્તાને હોંગકોંગ સામે જોરદાર વાપસી કરી હતી.ફાતિમા સનાની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમે હોંગકોંગને 72 રનથી હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.ભારત સામે નિષ્ફળ રહેલી પાકિસ્તાનની મોટાભાગની ખેલાડીઓએ આ મેચમાં સારો દેખાવ કર્યો હતો.જોકે,ટીમની જીતની સૌથી મોટી નાયિકા ડાબોડી સ્પિનર નશરા સંધુ રહી હતી.તેણે માત્ર 4 ઓવરમાં 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.તેના શાનદાર બોલિંગ પ્રદર્શન સામે હોંગકોંગની બેટિંગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.
પાકિસ્તાનની બેટિંગ ફરી મુશ્કેલીમાં
મહિલા એશિયા કપમાં ગ્રુપ Aની આ છેલ્લી મેચ પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી.સેમિફાઇનલમાં પહોંચવા માટે તેને કોઈપણ સંજોગોમાં જીત મેળવવી જરૂરી હતી.ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાની ટીમનું મનોબળ પણ ઓછું થયું હતું.હોંગકોંગ જેવી ટીમ સામે પણ પાકિસ્તાનના બેટર્સને રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.પાકિસ્તાને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 143 રન બનાવ્યા હતા.પાકિસ્તાન તરફથી ઓપનર શવાલ ઝુલ્ફિકારે સૌથી વધુ 47 રનની ઇનિંગ્સ રમી હતી.તેણે 35 બોલનો સામનો કર્યો હતો.તેના સિવાય આયશા ઝફરે 26 અને કેપ્ટન ફાતિમા સનાએ 24 રન બનાવ્યા હતા.બાકીની બેટર્સ ખાસ કંઈ કરી શકી નહોતી.પાકિસ્તાનની સ્થિતિ એવી હતી કે 80 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ ટીમે માત્ર 101 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.હોંગકોંગ તરફથી જોયલીન કૌરે શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
નશરા સંધુએ બોલિંગથી મચાવ્યો કહેર
હોંગકોંગ માટે 144 રનનો લક્ષ્યાંક સરળ નહોતો અને પાકિસ્તાનના બોલર્સે પણ આ વાત સાબિત કરી દીધી હતી.હોંગકોંગની આખી ટીમ 19 ઓવરમાં માત્ર 71 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.હોંગકોંગ તરફથી કેરી ચાને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા.જોકે,આ માટે તેણે 47 બોલ રમ્યા હતા.પાકિસ્તાન તરફથી નશરા સંધુએ બોલિંગમાં અદભૂત પ્રદર્શન કર્યું હતું.ભારત સામે નશરાએ 1.4 ઓવરમાં 19 રન આપ્યા હતા,પરંતુ હોંગકોંગ સામે તેણે સંપૂર્ણપણે અલગ અંદાજમાં બોલિંગ કરી.નશરાએ પોતાની 4 ઓવરમાં માત્ર 7 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.ખાસ વાત એ હતી કે તેની 24માંથી 18 બોલ પર હોંગકોંગની બેટર્સ એક પણ રન બનાવી શકી નહોતી.નશરાના આ પ્રદર્શનને કારણે પાકિસ્તાને 72 રનની મોટી જીત મેળવી હતી અને સેમિફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.
સેમિફાઇનલમાં કોની સામે થશે મુકાબલો?
હવે સેમિફાઇનલમાં પાકિસ્તાનનો સામનો વર્તમાન ચેમ્પિયન શ્રીલંકા સામે થશે.આ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે. શ્રીલંકાએ ગ્રુપ Bમાં પોતાની ત્રણેય મેચ જીતીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.બીજી તરફ ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પ્રથમ સેમિફાઇનલમાં મેદાનમાં ઉતરશે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમનો સામનો બાંગ્લાદેશ અને UAE વચ્ચેની મેચના વિજેતા સામે થશે.આ રીતે મહિલા એશિયા કપ 2026ની સેમિફાઇનલની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે અને હવે ક્રિકેટ ચાહકોની નજર ભારત અને પાકિસ્તાન સહિત તમામ સેમિફાઇનલ મુકાબલા પર રહેશે.
આ પણ વાંચો – Rinku Singh બનશે KKRનો નવો કેપ્ટન? સુરેશ રૈનાએ ફ્રેન્ચાઇઝીને આપી ખાસ સલાહ
