Women's Asia Cup Final : ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનશે? સ્ટાર બેટ્સમેનના કંગાળ ફોર્મ બાદ ઉઠ્યા સવાલ

📅 Published: September 13, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે મહિલા એશિયા કપ 2026ની ફાઈનલ રમશે.ભારતીય ટીમની નજર એશિયા કપની ટ્રોફી જીતવા પર છે.આ સાથે ટીમ ઈન્ડિયા 2 વર્ષ પહેલાં આ જ સ્પર્ધાની ફાઈનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો લેવાનો પણ પ્રયાસ કરશે.ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર રમત બતાવીને ફાઈનલ સુધી પહોંચી છે. જોકે, અંતિમ મુકાબલા પહેલાં ટીમની બેટિંગને લઈને એક ચિંતા સામે આવી છે.ખાસ કરીને ભારતીય ટીમની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાનું તાજેતરનું ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.

સ્મૃતિ મંધાનાના આંકડા સારા,પરંતુ ચિત્ર અલગ

સ્મૃતિ મંધાના આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 4 મેચમાં 154 રન બનાવી ચૂકી છે અને સૌથી વધુ રન બનાવનાર બેટર્સની યાદીમાં બીજા સ્થાને છે.પ્રથમ નજરે આ આંકડા સારા દેખાય છે,પરંતુ તેના પર નજર કરીએ તો એક મહત્વની વાત સામે આવે છે.મંધાનાએ બનાવેલા 154 રનમાંથી 124 રન માત્ર એક જ મેચમાં આવ્યા છે.હોંગકોંગ સામે રમાયેલી મેચમાં મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી.આ એક ઇનિંગ્સને બાદ કરીએ તો બાકીની 3 મેચમાં તે માત્ર 30 રન બનાવી શકી છે.પાકિસ્તાન સામે મંધાનાએ 9 રન બનાવ્યા હતા, જ્યારે બાંગ્લાદેશ સામેની સેમિફાઈનલમાં તે માત્ર 5 બોલમાં 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.ફાઈનલ જેવી મહત્વની મેચ પહેલાં ભારતીય ટીમ માટે મંધાનાનું ફોર્મ એટલા માટે મહત્વનું છે કારણ કે તે ટીમને ઇનિંગ્સની શરૂઆતમાં મજબૂત આધાર આપે છે.

શેફાલી વર્મા પર પણ રહેશે નજર

સ્મૃતિ મંધાનાની ઓપનિંગ પાર્ટનર શેફાલી વર્માએ અત્યાર સુધી સતત સારો દેખાવ કર્યો છે.શેફાલીએ 4 મેચમાં 168 રન બનાવ્યા છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર છે.શેફાલીના નામે અત્યાર સુધી 2 અડધી સદી છે. તેમાં બાંગ્લાદેશ સામેની સેમિફાઈનલમાં બનાવેલી અડધી સદી પણ સામેલ છે. તેની સતત સારી બેટિંગ ભારતીય ટીમ માટે મોટો પ્લસ પોઈન્ટ છે.હવે ફાઈનલમાં ભારતીય ટીમને શેફાલી પાસેથી ફરી એકવાર સારી શરૂઆતની આશા રહેશે. જો શેફાલી પોતાની લય જાળવી રાખે અને મંધાના પણ પોતાના ફોર્મમાં સુધારો કરીને મોટી ઇનિંગ્સ રમે, તો ભારતની જીતની સંભાવના ચોક્કસપણે વધી શકે છે.

ફાઈનલમાં મંધાનાની બેટિંગ બની શકે છે નિર્ણાયક

શ્રીલંકા સામેની ફાઈનલમાં ભારતની શરૂઆત ખૂબ મહત્વની રહેશે.પાવરપ્લેમાં વધુ રન બનાવવાથી ટીમને આગળની બેટિંગ માટે મજબૂત સ્થિતિ મળી શકે છે.આવી સ્થિતિમાં મંધાના અને શેફાલી વચ્ચેની ભાગીદારી મહત્વની બની શકે છે.મંધાના જેવી અનુભવી બેટર મોટી મેચમાં પોતાની રમતનું સ્તર ઊંચું લાવવા માટે જાણીતી છે. તેથી ભારતીય ટીમ અને તેના ચાહકોને આશા રહેશે કે ફાઈનલમાં મંધાના પોતાની શ્રેષ્ઠ રમત બતાવે અને શેફાલી સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત અપાવે.ભારત પાસે બેટિંગ અને બોલિંગ બંનેમાં મેચ જીતવાની ક્ષમતા છે, પરંતુ ફાઈનલમાં શ્રીલંકા જેવી મજબૂત ટીમ સામે નાની ભૂલ પણ ભારે પડી શકે છે. તેથી સ્મૃતિ મંધાનાનું ફોર્મ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્વના મુદ્દાઓમાંથી એક રહેશે.

આ પણ વાંચો – IND vs AFG : અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા માટે ચેતવણી, આ રેકોર્ડે વધાયું ટેન્શન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *