world: તણાવ વચ્ચે ભારતનું એલર્ટ, સાઉદી અરેબિયામાં એક ભૂલ ભારે પડી શકે છે; જાણો શું છે ચેતવણી

📅 Published: October 25, 2026 | 📂 Category: India National

સાઉદી અરેબિયામાં વધતા તણાવ વચ્ચે ભારતે ત્યાં રહેતા પોતાના નાગરિકોને કડક ચેતવણી આપી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે લોકો મિસાઇલ અને ડ્રોનને હવામાં જ નષ્ટ કરવાની (ઇન્ટરસેપ્શન) કોઈ પણ ઘટના અંગેના વીડિયો ન બનાવે અને આવી માહિતી સોશિયલ મીડિયા પર શેર પણ ન કરે. આમ કરવાથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે ચેતવણી

ભારતે સાઉદી અરેબિયામાં રહેતા પોતાના નાગરિકોને સ્પષ્ટ સૂચના આપી છે કે વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે મિસાઇલ અને ડ્રોન ઇન્ટરસેપ્શનના વીડિયો ન બનાવે કે આવી કોઈ માહિતી સોશિયલ મીડિયા પર શેર ન કરે. સૂત્રો અનુસાર, ભારતીય દૂતાવાસે લોકોને સ્થાનિક કાયદા અને નિયમોનું કડક પાલન કરવા જણાવ્યું છે. આ એડવાઇઝરી યમનના હૂતી બળવાખોરો દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અનેક ડ્રોન અને મિસાઇલ હુમલાઓ બાદ જાહેર કરવામાં આવી છે. હૂતી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં નાગરિક માળખાંને નિશાન બનાવ્યાં છે. તેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ વધ્યો છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પર સાઉદી સિવિલ ડિફેન્સ ડિરેક્ટોરેટની સત્તાવાર સૂચનાને ફરીથી પોસ્ટ કરી હતી. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે મિસાઇલ, ડ્રોન તેમજ તેમના પડવા અથવા અસરગ્રસ્ત સ્થળો સંબંધિત કોઈ પણ માહિતીનો વીડિયો ઉતારવો, પ્રકાશિત કરવો કે શેર કરવો કાયદાકીય જવાબદારી ઊભી કરી શકે છે. ભારતીય દૂતાવાસે ભારતીય સમુદાયને અપીલ કરી છે કે સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીયો સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરે. જેદ્દાહમાં આવેલા ભારતના કોન્સ્યુલેટ જનરલે પણ આવી જ સલાહ જાહેર કરી છે.

ફ્લાઇટ્સ અસ્થાયી રીતે બંધ

વધતા તણાવ અને સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય મિશને કેટલીક ફ્લાઇટ્સ પણ અસ્થાયી રીતે બંધ કરી છે. એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની રિયાધ અને દમ્મામ જતી ફ્લાઇટ્સ 7 નવેમ્બર 2026 સુધી સ્થગિત રહેશે. જ્યારે જેદ્દાહ જતી અને જેદ્દાહથી આવતી ફ્લાઇટ્સ 31 ઓક્ટોબર 2026 સુધી બંધ રહેશે.

કોન્સ્યુલેટ જનરલે શનિવારે જણાવ્યું હતું કે જેદ્દાહ અને મક્કામાં તેના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ સક્રિય છે. આ કંટ્રોલ રૂમ સ્થાનિક સમુદાયનાં સંગઠનો અને સ્વયંસેવકોની મદદથી અસરગ્રસ્ત ભારતીયોને સહાય પૂરી પાડી રહ્યા છે. આ સહાયમાં ભોજન, જરૂરી દવાઓ અને અન્ય તાત્કાલિક જરૂરિયાતોની વસ્તુઓનો સમાવેશ થાય છે. જ્યાં જરૂર છે અને શક્ય છે, ત્યાં મદદ પહોંચાડવામાં આવી રહી છે.

સાઉદી અધિકારીઓ સાથે સતત સંપર્ક

ભારતીય મિશને જણાવ્યું છે કે તે સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. તેનો હેતુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓનો વહેલી તકે ઉકેલ લાવવાનો છે. ખાસ કરીને વિઝાની માન્યતા અને ફ્લાઇટ્સ મોડી થવાને કારણે પ્રભાવિત થયેલા લોકોની સમસ્યાઓ ઉકેલવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ, ફ્લાઇટ્સ સ્થગિત થવા અને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવામાં આવી રહી છે. મિશને જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડ્યે વધુ માહિતી આપવામાં આવશે. ભારતીય નાગરિકોને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા સંબંધિત માહિતીના વીડિયો ઉતારવા કે તેને સોશિયલ મીડિયા પર શેર કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે, જેથી કાયદાકીય મુશ્કેલી ઊભી ન થાય.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *