WPL 2027: મહિલા ક્રિકેટરો માટે ખુશખબર, BCCI સચિવે આપી મોટી અપડેટ !

📅 Published: October 29, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહિલા પ્રીમિયર લીગ (WPL)માં આગામી વર્ષથી ટીમોની સંખ્યા વધારવા અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ વિચારવિમર્શ કરશે. BCCIના સચિવ દેવજિત સૈકિયાએ જણાવ્યું છે કે લીગમાં વધુ ટીમો ઉમેરવા સહિત અન્ય સુધારાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ નિવેદન WPL 2027ની ખેલાડીઓની હરાજી પૂરી થયાના એક દિવસ બાદ આવ્યું છે. 28 ઑક્ટોબરે કોચીમાં યોજાયેલી હરાજીમાં આશરે 150 ખેલાડીઓ સામેલ હતાં, પરંતુ પાંચ ફ્રેન્ચાઇઝીઓ પાસે મર્યાદિત જગ્યાઓ હોવાથી માત્ર 25 ખેલાડીઓ વેચાયા હતા. આ સ્થિતિએ મહિલા ક્રિકેટમાં વધતી પ્રતિભા અને લીગમાં ઉપલબ્ધ મર્યાદિત તકોનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે.

‘પાંચ ટીમો પૂરતી નથી’

દેવજિત સૈકિયાએ WPLના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરાયેલા વીડિયોમાં કહ્યું કે મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટરો લીગમાં રમવાની તકની રાહ જોઈ રહી છે. તેમના મતે, ખેલાડીઓની ઉપલબ્ધ સંખ્યાની સરખામણીમાં હાલની પાંચ ટીમો ઓછી પડે છે. તેમણે જણાવ્યું કે આગામી વર્ષથી ટીમોની સંખ્યા વધારવા અંગે ચર્ચા કરવાની જરૂર છે. આ ઉપરાંત કોચ, પસંદગીકારો અને અન્ય સંબંધિત લોકોની ભૂમિકા સહિત લીગના સમગ્ર માળખામાં સુધારા અંગે પણ વિચાર કરવામાં આવશે. જોકે, BCCIએ હજુ એ સ્પષ્ટ કર્યું નથી કે નવી ટીમો ઉમેરવામાં આવશે તો તેમની સંખ્યા કેટલી હશે કે કઈ સિઝનથી આ ફેરફાર અમલમાં આવશે. હાલ આ મુદ્દો વિચારવિમર્શના તબક્કામાં છે.

યુવા ખેલાડીઓને મળશે વધુ તક?

WPLની શરૂઆત 2023માં પાંચ ટીમો સાથે થઈ હતી. અત્યાર સુધી આ લીગે ભારતીય મહિલા ક્રિકેટરોને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ સાથે રમવાની અને પોતાની પ્રતિભા સાબિત કરવાની તક આપી છે. હવે ટીમોની સંખ્યા વધે તો વધુ સ્થાનિક ખેલાડીઓને મોટી લીગમાં સ્થાન મળી શકે છે. સૈકિયાએ 15 વર્ષની ઉમા કશવીની પસંદગીને પણ મહિલા ક્રિકેટ માટે સકારાત્મક સંકેત ગણાવ્યો હતો. WPL 2027ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે આ યુવા ઓલરાઉન્ડરને ₹10 લાખમાં ખરીદી હતી. સૈકિયાના મતે, નાની ઉંમરની ખેલાડીને આવી મોટી સ્પર્ધામાં રમવાની તક મળવી એ લીગની સફળતાનું ઉદાહરણ છે.

WPLની સફળતાથી ભારતીય ક્રિકેટને ફાયદો

સૈકિયાએ ભારતીય મહિલા ક્રિકેટની પ્રગતિમાં WPLના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેમના મતે, લીગે દેશભરમાં મહિલા ક્રિકેટ માટેનું વાતાવરણ મજબૂત કરવામાં મદદ કરી છે અને ખેલાડીઓને આગળ વધવા માટે નવું મંચ પૂરું પાડ્યું છે. WPL 2027ની પાંચમી સિઝન 14 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી 2027 દરમિયાન રમાવાની છે. હવે ચાહકોની નજર BCCIની આગામી ચર્ચાઓ પર રહેશે. જો ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાય, તો મહિલા ક્રિકેટરો માટે વધુ જગ્યાઓ ઊભી થઈ શકે છે અને લીગનું વિસ્તરણ પણ થઈ શકે છે.

આ પણ વાંચો: IPL પહેલાં મુંબઈ કેમ્પમાં મોટી હલચલ, મલિંગા સહિત ત્રણ કોચની એકસાથે વિદાય


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *