Zimbabwe Cricket: એક ટેસ્ટ મેચ રમાડવા પાછળ ₹5.7 કરોડનો ખર્ચ! છતાં ઝિમ્બાબ્વે ટેસ્ટ ક્રિકેટ છોડવા તૈયાર નથી

📅 Published: November 17, 2026 | 📂 Category: cricket

ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા અને તેના ખર્ચને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. ઝિમ્બાબ્વે ક્રિકેટના ચેરમેન તાવેંગવા મુકુહલાનીએ ખુલાસો કર્યો છે કે તેમના દેશમાં એક ટેસ્ટ મેચની યજમાની કરવા માટે 6 લાખ ડોલરથી વધુ ખર્ચ થાય છે. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે ₹5.7 કરોડ થાય છે. બીજી તરફ, સ્ટેડિયમમાં દર્શકોની હાજરી ઓછી હોવાથી ટિકિટ વેચાણ અને અન્ય વ્યાપારી માધ્યમોથી પૂરતી આવક મેળવવી પણ મુશ્કેલ છે. તેમ છતાં ઝિમ્બાબ્વે ટેસ્ટ ક્રિકેટ રમવાનું બંધ કરવા માગતું નથી.

એક ટેસ્ટ પાછળ ₹5.7 કરોડથી વધુનો ખર્ચ

ઝિમ્બાબ્વે ક્રિકેટના ચેરમેન તાવેંગવા મુકુહલાનીએ જણાવ્યું કે એક ટેસ્ટ મેચ અથવા સિરીઝનું આયોજન કરવા માટે ઉત્પાદન ખર્ચ, યજમાની અને અન્ય લોજિસ્ટિક્સ સહિત 6 લાખ ડોલરથી વધુ ખર્ચ થઈ શકે છે. મુકુહલાનીએ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચનું ઉદાહરણ આપતાં કહ્યું કે શારજાહમાં મેચ દરમિયાન સ્ટેડિયમ લગભગ ખાલી હતું. આવી સ્થિતિમાં ટિકિટ વેચાણ અને દર્શકો પાસેથી થતી આવક મેળવવી મુશ્કેલ બને છે. તેમના મતે ટેસ્ટ ક્રિકેટને વ્યાપારી રીતે ફાયદાકારક બનાવવું સરળ નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે ક્રિકેટમાં માત્ર કમાણી જ મહત્વની નથી. ખેલાડીઓના વિકાસ અને રમતના લાંબા ગાળાના ભવિષ્ય માટે ટેસ્ટ ક્રિકેટ જરૂરી છે. ઝિમ્બાબ્વે ટેસ્ટ રમતું રહે તે તેના માટે અનિવાર્ય છે.

આર્થિક મુશ્કેલીઓ છતાં ટેસ્ટ ક્રિકેટને પ્રાથમિકતા

ઝિમ્બાબ્વે છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 2019માં સરકારી હસ્તક્ષેપ અને નાણાકીય ગેરરીતિઓના મુદ્દે ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કર્યું હતું. તેના કારણે ICC તરફથી મળતું ભંડોળ અટક્યું હતું અને દેશમાં વ્યાવસાયિક ક્રિકેટને પણ મોટો ફટકો પડ્યો હતો. ત્યારબાદ કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસો રદ થયા હતા, જેના પર ઝિમ્બાબ્વે ક્રિકેટની આવકનો મોટો આધાર હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં બોર્ડે નાણાકીય વ્યવસ્થામાં સુધારો કર્યો છે. 2015થી 2025 દરમિયાન તેણે 2.7 કરોડ ડોલરનું દેવું પણ ચૂકવી દીધું છે. મુકુહલાનીના મતે ટેસ્ટ ક્રિકેટથી ખેલાડીઓની ટેકનિક અને ક્ષમતામાં સુધારો થાય છે. તેની અસર વનડે અને T20 જેવા ટૂંકા ફોર્મેટમાં પણ જોવા મળે છે. તેથી ટેસ્ટ ક્રિકેટમાં રોકાણ કરવું ઝિમ્બાબ્વે માટે લાંબા ગાળાની જરૂરિયાત છે.

2025માં 7 ટેસ્ટ રમાડી, આ વર્ષે માત્ર એક

ઝિમ્બાબ્વે ટેસ્ટ ક્રિકેટની યજમાની માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 2025માં તેણે ઘરઆંગણે સાત ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. જોકે, 2026માં અત્યાર સુધી તેણે માત્ર એક જ ટેસ્ટ મેચની યજમાની કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ ન હોવાને કારણે ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ મેચોનું આયોજન કરવું વધુ મુશ્કેલ બને છે. તેને અન્ય દેશોના ક્રિકેટ બોર્ડ સાથે દ્વિપક્ષીય સિરીઝ માટે અલગથી વાતચીત કરવી પડે છે. સામેની ટીમ અને તેના પ્રસારણકર્તાઓને વ્યાપારી ફાયદો દેખાતો ન હોય તો સિરીઝ નક્કી કરવી મુશ્કેલ બને છે.

મુકુહલાનીનું માનવું છે કે મોટી ક્રિકેટ ટીમોની પણ નાની ટેસ્ટ રમતી ટીમો સાથે રમવાની જવાબદારી છે. જો નાની ટીમોને મોટા દેશો સામે રમવાની તક જ નહીં મળે તો તેઓ કેવી રીતે આગળ વધશે?

ઇંગ્લેન્ડે ચૂકવ્યા હતા ₹3 કરોડથી વધુ

નાની ક્રિકેટ ટીમોને આર્થિક રીતે મદદ કરવા માટે ઇંગ્લેન્ડે એક અલગ પહેલ કરી હતી. 2025માં ઝિમ્બાબ્વેની ઇંગ્લેન્ડ મુલાકાત દરમિયાન ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પ્રવાસી ટીમને આશરે 2.5 લાખ પાઉન્ડની ફી ચૂકવી હતી. ભારતીય રૂપિયામાં આ રકમ આશરે ₹3 કરોડથી વધુ થાય છે. સામાન્ય રીતે દ્વિપક્ષીય ક્રિકેટમાં યજમાન દેશ પ્રસારણ અધિકારો અને ટિકિટ વેચાણની આવક મેળવે છે, જ્યારે આયોજનનો ખર્ચ પણ પોતે જ ઉઠાવે છે. પ્રવાસી ટીમને રહેવા અને લોજિસ્ટિક્સની સુવિધા મળે છે, પરંતુ અલગથી પ્રવાસ ફી મળતી નથી. ઇંગ્લેન્ડે આ પરંપરાથી અલગ જઈને ઝિમ્બાબ્વેને આર્થિક મદદ કરી હતી.

ઝિમ્બાબ્વેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન જોઈએ

ઝિમ્બાબ્વે ક્રિકેટની સૌથી મોટી માગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સામેલ થવાની છે. હાલ આ સ્પર્ધામાં નવ ટીમો છે અને ઝિમ્બાબ્વેને તેમાં સ્થાન મળ્યું નથી. મુકુહલાનીનું કહેવું છે કે જ્યારે ઝિમ્બાબ્વે ICCનું પૂર્ણ સભ્ય છે, ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેને અલગ રાખવું યોગ્ય નથી.

ઝિમ્બાબ્વે આગામી વર્ષે યોજાનારા ODI વર્લ્ડ કપની સહયજમાની પણ કરશે. હવે તેની નજર ટેસ્ટ ક્રિકેટ માટે વધુ આંતરરાષ્ટ્રીય મેચો મેળવવા અને નાની ટીમો માટે વધુ સારી આર્થિક વ્યવસ્થા ઊભી કરવા પર છે.

આ પણ વાંચો: Travis Head: ‘થૅન્ક યુ, હૈદરાબાદ!’ હેડે SRHને કહ્યું અલવિદા, હવે અભિષેક શર્મા સાથે કોણ કરશે ધમાકેદાર શરુઆત ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *