અમરેલી જિલ્લામાં શાળાઓમાં બાળકો સાથે અડપલાના બનાવો સામે આવ્યા બાદ પોલીસ સક્રિય બની છે. આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે “મિશન સ્માઇલ” નામનો એક નવતર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને સુરક્ષિત રાખવાનો અને તેમને ખરાબ સ્પર્શ અંગે જાગૃત કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત, અમરેલીથી લઈને દરિયાઈ ટાપુ શિયાળબેટ સુધીની કુલ 1300 શાળાઓમાં સેમિનાર યોજવામાં આવશે. આ સેમિનાર દ્વારા અંદાજે 2 લાખ બાળકોને પોલીસ ટ્રેનિંગ આપવામાં આવશે. SP સંજય ખરાતે આવા બનાવોનું વિશ્લેષણ કર્યા બાદ અને પોલીસ કેસ વગરના અનેક કિસ્સાઓ વધતા જોઈને આ પહેલ કરી છે. “મિશન સ્માઇલ” કાર્યક્રમનું નેતૃત્વ નયના ગોરડીયા કરી રહ્યા છે. વિવિધ પોલીસ ટીમો, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સાથે મળીને શાળાઓમાં આ સેમિનાર યોજી રહ્યા છે. બાળકોને સરળતાથી સમજાવવા માટે ટીવી સ્ક્રીન પર કાર્ટૂન દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી તેઓ માહિતીને વધુ સારી રીતે ગ્રહણ કરી શકે. આ ટ્રેનિંગમાં બાળકોને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે કે તેમને કોણ સ્પર્શ કરી શકે અને કોણ નહીં. પરિવાર સિવાય કોઈને પણ અંગત અંગોને સ્પર્શ ન કરવા માટે માર્ગદર્શન અપાય છે. ખરાબ સ્પર્શ કોને કહેવાય, સારો સ્પર્શ કોને કહેવાય અને કયા અંગો ખાનગી છે, તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે. પોલીસની ટીમો દ્વારા બાળકોને શીખવવામાં આવે છે કે જો કોઈ શિક્ષક કે અન્ય વ્યક્તિ ખરાબ સ્પર્શ કરે તો શું કરવું અને કેવી રીતે પોલીસને જાણ કરવી. આ અભિયાનમાં SP, DYSP, અન્ય પોલીસ કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ અને શિક્ષણાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોની સુરક્ષા વધારવા માટે સકારાત્મક અભિગમ દાખવી રહ્યા છે.
અમરેલીમાં બાળકો સાથે અડપલા: SPએ 'મિશન સ્માઇલ' શરૂ કર્યું:1300 શાળામાં 2 લાખ બાળકોને 'ખાખી' ટ્રેનિંગ અપાશે
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
