આજકાલ સાયબર ફ્રોડના બનાવો સતત વધતા રહે છે. મોબાઈલ પર અજાણી લિંક પર ક્લિક કરતા જ બેંકખાતું સાફ થઈ જવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. આ ઉપરાંત ફોનમાં RTOના ચલણના નામે મોકલેલી APK ફાઈલ અથવા સોશિયલ મીડિયા ગ્રુપમાં ખાસ કરીને શેરમાર્કેટમાં વધુ પ્રોફિટ કરાવવાના નામે લિંક મોકલી સાયબર ફ્રોડ કરવામાં આવે છે. પોલીસે પણ લોકોને આ બાબતે એલર્ટ રહેવા જણાવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં સાયબર ક્રાઈમની કેટલી ઘટના બની અને લોકોએ કેટલા રૂપિયા ગુમાવ્યાં તેમજ તેનાથી બચવા માટે લોકોએ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે દિવ્ય ભાસ્કરે SP સંજય ખરાત સાથે ખાસ વાતચીત કરી હતી. અમેરલી સહિત ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો
સમગ્ર દેશ અને ગુજરાતમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. લોકો લોભ-લાલચમાં આવીને વિવિધ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જેના કારણે લાખો-કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 11 માસ દરમિયાન નોંધાયેલા 1200 કેસમાં કુલ 8 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ ફરિયાદોના આધારે, SP સંજય ખરાતે સાયબર ક્રાઈમની અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડિટેક્ટ કરવા અને નાણાં પરત અપાવવા માટે કામગીરી શરૂ કરાવી છે. જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં ગુમાવેલી રકમના લગભગ 10 ટકા એટલે કે, 70 લાખ રૂપિયા જેટલી રકમ અરજદારોને પરત અપાવવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધીમાં 42 જેટલી રૂબરૂ ફરિયાદો પણ પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. સાયબર ફ્રોડમાં 1930 હેલ્પલાઈન પર કોલ કરવાની અપીલ
સાયબર ફ્રોડ અંગે માહિતી આપતા SP સંજય ખરાતે જણાવ્યું કે, આવા કિસ્સામાં સૌ પ્રથમ નાગરિકોએ 1930 ઉપર કોલ કરવો જેથી તમારા રૂપિયા આગળ જતાં અટકી જશે અને અમુક સમય બાદ પેમેન્ટ પરત મળી શકે છે. અરજદારો રૂબરૂ મળ્યા બાદ ફરિયાદો નોંધાવે છે, તેવી 42 જેટલી ફરીયાદ પોલીસે નોંધી છે. ભૂતકાળમાં ખાંભામાં એક યુવતીએ 26 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ સુસાઈટ કર્યું હતું. કેવી રીતે તમે સાયબર ફ્રોડનો શિકાર બનો છો?
વધુમાં જણાવ્યું કે, અલગ-અલગ રીતે લોકો સાથે સાયબર ફ્રોડની ઘટના બને છે, તેમા મુખ્યત્વે મોબાઈલમાં અલગ-અલગ ગ્રુપમાં જોઈન થાવ તો તેમાં ખોટા ફોટા-વીડિયો શેર કરીને તમને એવી લાલચ આપે છે કે અમને આ શેરમાં પ્રોફિટ થયું છે તેવા ફોટા બતાવીને લોકોને રોકાણ કરાવે છે. તેમજ APK ફાઈલ આવે છે તે ઓપન કરતા જ તમારા મોબાઇલની માહિતી તેઓ પાસે પહોંચી જાય છે અને ફ્રોડ થાય છે. આરટીઓ ચલણના નામે APK ફાઇલ મોકલે છે જેથી લોકો ડાઉનલોડ કરે છે અને ફ્રોડનો ભોગ બને છે. અમરેલી SP સંજય ખરાતે વધુમાં જણાવ્યું કે, સાયબર ફ્રોડથી લોકોને બચાવવા માટે સાયબર પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં સેમિનાર કરવામાં આવે છે. કેવી રીતે ફ્રોડ થાય છે તે અમે બતાવીએ છીએ. ક્યારેક લોકો પાસે ખોટી રીતે રોકાણ કરાવે છે, OTP માગે છે, તમારા પાસપોર્ટ નંબર અમને મળ્યો છે તમારા નામનું પાર્સલ અમને આવ્યું છે હું દિલ્હી એરપોર્ટથી બોલું છું તમને ડિજીટલ અરેસ્ટ કરવામાં આવ્યાં છે આવું કહીં લોકોને ડરાવીને આવી અલગ-અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે. સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું?
સાયબર ફ્રોડથી કેવી રીતે બચવું તે અંગે જણાવ્યું કે, આપણે કોઈ પણ પ્રકારની લાલચમાં ન આવવું જોઈએ. માર્કેટમાં સામેથી કોઈ અપીરચિત વ્યક્તિ આવે અને તમને ફાયદો કરાવવાની વાત કરે તેવી શક્યતા બોવ ઓછી છે. કોઈ કોલકતા અને દિલ્હીમાં બેસીને સોશિયલ મીડિયા દ્વારા તમને ફાયદો કરાવવાની વાત કરે છે તેવા લોકોની લાલચમાં ન આવવું જોઈએ. આ ધ્યાન રાખશો તો તમે કોઈ દિવસ સાયબર ફ્રોડના ભોગ નહિ બનો. પોલીસ ક્યારેય ડિજિટલ અરેસ્ટ કરતી નથી
આ ઉપરાંત બીજી એક રીત છે ડિજિટલ અરેસ્ટની જેમાં તેઓ તમને કહે છે કે, અમે અમદાવાદ, સુરત કે મુંબઈ એરપોર્ટ પર બેગ ચેક કરતા હતા તેમાં એક ગાંજાનું પેકેટ મળી આવ્યું છે. જે બેગમાં તમારો મોબાઈલ નંબર અને પાસપોર્ટ નંબર છે એટલે તમે આ ઘટનામાં આરોપી છો અને તમે ડિજિટલ અરેસ્ટ થયા છો જો તમે આટલા રૂપિયા આપશો તો તમને અમે આ કેસમાંથી બચાવી લેશું, ત્યારે તમારે એક વાત હંમેશા સમજી લેવી જોઈએ કે પોલીસ ક્યારેય ફોન પર ધરપકડ કરી શકતી નથી. બીજુ કે તમને ખબર છે કે તમે આવો કોઈ ગુનો કર્યો જ નથી તો તમારે બિલકુલ ડરવાની જરૂર નથી. તમારા પરિવારના લોકો પણ આમાં ફસાયા હોય તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો જોઈએ. સોશિયલ મીડિયામાં ગમે તે લિંક પર ક્લિક કરવું, ગમે તે ગ્રુપમાં જોઈન થવું, આવું કરવાથી તમારી કેટલીક માહિતીઓ આ ફ્રોડ કરનારા પાસે પહોંચી જાય છે અને તેઓ આરામથી ફ્રોડ કરી લેતા હોય છે. કોઈને ભાડે બેંક એકાઉન્ટ ન આપવું
વધુમાં જણાવ્યું કે, આપણા વિસ્તારના ઘણા લોકો પોતાના બેંક એકાઉન્ટ ભાડે આપી રહ્યા છે. આ મહિનામાં આવા 4 કેસ સામે આવ્યાં છે. કોઈ જરૂરિયાત વગર તેમની આવક ન હોવા છતાં તેમના એકાઉન્ટમાં બહારથી પેસા આવે છે. અમે રાજુલા, બાબરા અને સાવરકુંડલામાં આવી ગેંગ પકડી છે. તમે તમારૂ એકાઉન્ટ ભાડે આપશો તો તેઓ આ એકાઉન્ટ ગુનાના કામમાં ઉપયોગ કરશે. તમારા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા તેની જાણ પોલીસને જાણ થાય ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ એકાઉન્ટ બંધ કરવામાં આવે છે જેથી છેતરપિંડી કરનારાઓને સતત નવા નવા બેંક એકાઉન્ટની જરૂર પડે છે. જેથી તેઓ આમ ભાડેથી એકાઉન્ટ લે છે. ગરીબ લોકોના રૂપિયા તમારા ખાતામાં આવે છે. ભાડેથી એકાઉન્ટ આપવું તે પણ ગુનો છે. જેથી કોઈને ભાડેથી એકાઉન્ટ ન આપવું. જિલ્લા પોલીસ દ્વારા સાયબરના કેસને લગતા કેસમાં પોલીસ દરેક નાગરિકોને સાંભળે છે અવેરનેસ કાર્યક્રમ રાખવામા આવે છે. જનજાગૃતિ માટે શાળા-કોલેજ વેપારીઓ અને સંસ્થાઓ સાથે સાયબર સેમિનાર યોજવામાં આવે છે.
અમરેલીમાં 11 મહિનામાં લોકોએ સાયબર ફ્રોડમાં 8 કરોડ ગુમાવ્યાં:1200 જેટલી ફરિયાદો મળી, પોલીસે 70 લાખની રકમ પરત અપાવી, જાણો સાયબર ફ્રોડથી બચવા શું કરશો?
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
