આજે રાજકોટ મહાપાલિકાનો સ્થાપના દિવસ છે. જેને લઈને રંગીલા રાજકોટવાસીઓ માટે ઉત્સવનો માહોલ જામ્યો છે. મનપા દ્વારા પણ રાજકોટનાં સ્થાપના દિવસ ને યાદગાર બનાવવા બોલીવુડ કલાકારોની મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલીવુડના જાણીતા સિંગર સચેત ટંડન અને પરંપરા ટંડને પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ ભવ્ય કાર્યક્રમનાં આયોજનને લઈને બૉલીવુડ કલાકારો સચેત અને પરંપરા રાજકોટ આવી પહોંચ્યા છે. ત્યારે આજે સવારે બૉલીવુડ સિંગરોએ ફાફડા જલેબી અને થેપલાની મોજ માણી હતી. તેમજ સ્ટ્રીટ ફૂડ આરોગતા જયશ્રી કૃષ્ણ અને જયશ્રી રામ બોલ્યા હતા. એટલું જ નહીં આજની મ્યુઝીકલ નાઈટમાં લોકોને ઉમટી પાડવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ ઉપરાંત પત્રકાર પરિષદમાં રામ સિયારામ સિયારામ જય જય રામ લલકાર્યું હતું. સચેત-પરંપરાએ માણી રાજકોટના સ્ટ્રીટ ફૂડની મોજ બોલીવુડ નાઈટના કાર્યક્રમ પહેલા સચેત અને પરંપરાએ રાજકોટના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડની મોજ માણી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે સચેત, પરંપરા અને તેમની ટીમ રાજકોટના પોપ્યુલર ફાફડા-જલેબી અને અન્ય વાનગીઓનો સ્વાદ માણી રહ્યા છે. આ સ્ટ્રીટ ફૂડમાં ફાફડા, ગરમા-ગરમ જલેબી, થેપલા અને અન્ય નવીન આઇટમ્સ પણ હતી, જેનો આનંદ તેમણે માણ્યો હતો. સચેત ટંડને વીડિયોમાં જણાવ્યું હતું કે, “અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, રાજકોટ. અમે અહીંયા આવીને ફાફડા, જલેબી, થેપલા, સમરીયું અને અન્ય ઘણું નવું ફૂડ ખાઈ રહ્યા છીએ. મજા પડી ગઈ.” પરંપરાએ પણ જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ કહીને રાજકોટના પ્રેમનો જવાબ આપ્યો હતો. તેમણે સાંજે ફરીથી મુલાકાત કરવાની વાત કરી હતી અને સૌને સાંજના કાર્યક્રમમાં મળવા માટે આમંત્રણ આપ્યું હતું. આ વીડિયોમાં સચેત અને પરંપરાની ખુશી સ્પષ્ટ દેખાય છે, જે દર્શાવે છે કે તેમને રાજકોટનું ફૂડ ખૂબ પસંદ આવ્યું છે. સચેત-પરંપરાની પત્રકાર પરિષદ રાજકોટમાં ફાફડા-જલેબી આરોગવા અંગે સચેતએ જણાવ્યું હતું કે, અમારી ટીમમાં મોટાભાગે ગુજરાતી છે. એટલે ફાફડા-જલેબી-થેપલા-ખાંડવી સહિતની વસ્તુઓ અમે આરોગતા હોય છીએ. પરંતુ રાજકોટમાં આવતા જ જાણવા મળ્યું કે, આ સ્થળે ગુજરાતી ખૂબ સારું મળે છે માટે ત્યાં ગુજરાતી ફાફડા-જલેબી સહિતના વ્યંજનોની મોજ માણી હતી. તો પરંપરાએ જણાવ્યું હતું કે, દેશ જ નહીં દુનિયામાં કોઈપણ સ્થળે જઈએ ગુજરાતી ફૂડ તો હંમેશા અમારી પહેલી પસંદ રહી છે. આજના પ્રોગ્રામની શરૂઆત કાલભૈરવ સ્તોત્રથી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તેમજ મંગલ ભવન અમંગલ હારી… ગીત લલકાર્યું હતું. મ્યુઝીકલ નાઈટમાં સચેત-પરંપરાનો જાદુ ચાલશે રાજકોટ મહાપાલિકાના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત ‘બોલીવુડ નાઈટ’માં સિંગર સચેત અને પરંપરા તેમના પ્રખ્યાત ગીતો રજૂ કરશે. જેમાં ‘તેરા મેરા જહાં’, ‘મૈયા મૈનુ’, ‘બેખુદી’ અને ‘કબીર સિંગ’ના જાણીતા ગીતો ધૂમ મચાવશે. તો સચેત અને પરંપરા આ પર્ફોર્મન્સ દરમિયાન દર્શકો સાથે સીધો સંવાદ પણ કરે તેવી શક્યતા છે. રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં લોક કલાકારો દ્વારા સુંદર રજૂઆત કરવામાં આવશે. અને ઉપસ્થિત સૌ કોઈનું દિલ જીતી લેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાપના દિવસની ઉજવણીના આ ભવ્ય કાર્યક્રમમાં રાજકોટના મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય પદાધિકારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અગ્રણી નાગરિકો, પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં હાજર રહેશે. જેમાં રાજકોટવાસીઓને નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવશે. અને મોટી સંખ્યામાં લોકો આ ભવ્ય કાર્યક્રમનો આનંદ માણે તેવી શક્યતા છે.
આજે સચેત-પરંપરાની મ્યુઝીકલ નાઇટ:રાજકોટમાં બૉલીવુડ સિંગરોએ ફાફડા જલેબી-થેપલાની મોજ માણી, સ્ટ્રીટ ફૂડ આરોગતા બોલ્યા જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ, રામ સિયારામ સિયારામ જય જય રામ લલકાર્યું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
