આવતીકાલે જનરલ બોર્ડની બેઠક:રાજકોટમાં વિપક્ષનાં ફ્લાવર બેડનાં પ્રશ્નથી ચર્ચા શરૂ થશે, ડે.કમિશનરની નિયુક્તિ સહિતની દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે, જમીન કપાતના વળતર અંગે કરાશે ફેંસલો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાજકોટ મહાનગરપાલિકાની દ્વિમાસિક સામાન્ય સભા આવતીકાલ, તા. 20મી નવેમ્બર, ગુરુવારના રોજ સવારે 11 કલાકે મળશે. આ બોર્ડ બેઠકમાં વિપક્ષને પ્રથમ પ્રશ્ન પૂછવાનો મોકો મળતાં સત્તાધારી ભાજપ શાસકો અને વહીવટી તંત્રની ‘ખબર’ લેવાની વિપક્ષની પૂરી તૈયારી છે. મહત્વનું છે કે, RMCમાં ભાજપના 68 અને કોંગ્રેસના 4 સભ્યોનું સંખ્યાબળ છે. છતાં, ગત અઠવાડિયે બોર્ડનો એજન્ડા બહાર પડ્યા બાદ થયેલા ડ્રોમાં વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાના ત્રણ પ્રશ્નો પહેલા ક્રમે આવતાં કોંગ્રેસ પક્ષ ઉત્સાહમાં છે. આ સંજોગોમાં કોંગ્રેસના પ્રશ્નોના જવાબો કમિશનરે આપવાના થશે, અને ચર્ચા જો રાજકીય રંગ પકડે તો ભૂતકાળની જેમ ભાજપના કોર્પોરેટરો પણ ચર્ચામાં જોડાય તો હોબાળો થવાની શક્યતા છે. વિજીલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા માટે સૂચના
ચૂંટણી પૂર્વે જે રીતનું રાજકીય વાતાવરણ ગરમાતું હોય છે એવો જ માહોલ આવતીકાલની સભામાં પણ સર્જાય એવી શક્યતા છે. શાસક પક્ષે વિપક્ષ દ્વારા કોઈ મોટી ધમાલ ન થાય તે માટે વિજીલન્સ અને માર્શલની ટીમને ખાસ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપી દીધી છે. કુલ 25 પ્રશ્નોમાં વિપક્ષના 8 પ્રશ્નો બોર્ડ ગજવશે. આ બોર્ડ માટે કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્નો રજૂ કર્યા છે, જેમાં કોંગ્રેસના 8 પ્રશ્નોનો સમાવેશ થાય છે. ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્નો પૂછ્યા છે. સરકારના હુકમ છતાં તા. 11-11 સુધી શા માટે કામ શરૂ ન કરાયું?
વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પહેલા ક્રમે જ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. તેમણે ફ્લાવર બેડવાળા બિલ્ડીંગ પ્રોજેક્ટને લઈને સવાલ ઉઠાવ્યો છે. તેમણે વિગતો માંગી છે કે, રાજકોટમાં આર્કિટેક્ચર પ્રોજેક્ટ (ફ્લાવર બેડ)ના કારણે કમ્પ્લીશન સર્ટિફિકેટ (CC) અટકાવાયા હોય તેવા બિલ્ડીંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા વોર્ડવાઇઝ કેટલી છે, તેમના નામ શું છે અને આવા બાંધકામને નિયમિત (Regularize) કરવાની કાર્યવાહી કરવાના સરકારના હુકમ છતાં તા. 11-11 સુધી શા માટે કામ શરૂ ન કરાયું? તેમજ ટાઉન પ્લાનિંગ (TP)માં શું વ્યવસ્થા છે તેની વિગતો માંગી છે. આ ઉપરાંત, તેમણે અન્ય બે પ્રશ્નોમાં શહેરની હદમાં નવા ભળેલા ગામો બાદ નવી હદ અને સાઇન બોર્ડ મૂકવા અંગેની વિગત પૂછી છે. તેમજ છેલ્લા 5 વર્ષમાં રાજકોટના કેટલા રસ્તા કયા કારણોસર અને કઈ એજન્સી દ્વારા ખોદકામ કરવામાં આવ્યા, મંજૂરીના નિયમો, ડિપોઝીટની રકમ, અને કોર્પોરેશનની તિજોરીને કેટલો ખર્ચ થયો તેની વિગતો પણ માંગી છે. ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો?
બીજી તરફ, કોંગ્રેસના કોર્પોરેટર કોમલબેન ભારાઇના બે પ્રશ્નો 14મા ક્રમે હોવા છતાં, તેના લેખિત જવાબો વિવાદાસ્પદ બને એવી સંભાવના છે. તેમણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે તે મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે ગેરકાયદેસર બાંધકામની સંખ્યા, તેની સામે આવેલી અરજીઓ વોર્ડવાઇઝ, 260(1) અને 260(2) મુજબ અપાયેલી નોટિસો વોર્ડવાઇઝ, અને 260(2) પછી કેટલા બાંધકામોનું ડિમોલેશન કરવામાં આવ્યું તેની વિગત માંગી છે. વધુમાં, ઇમ્પેક્ટ યોજના ચાલુ થઈ ત્યારથી તા. 11-11 સુધીમાં કેટલી અરજીઓ વોર્ડવાઇઝ આવી અને તેમાંથી કેટલી મંજૂર કરી તે અંગેની માહિતી પણ માંગી છે. ગેરકાયદેસર બાંધકામો થયા હોય તેમાં આર્કિટેક્ટની જવાબદારી શું છે અને જો જવાબદારી હોય તો કેટલા આર્કિટેક્ટ ઉપર શું પગલાં લેવામાં આવ્યા તેની તમામ વિગતો પણ પૂછી છે. ચાલુ વર્ષમાં કેટલા રસ્તા બનાવવાના છે તેનું આયોજન પણ માંગ્યું
​​​​​​​અન્ય પ્રશ્નકર્તા મકબુલભાઇ દાઉદાણીએ 15મા ક્રમે વોર્ડ નં. 15માં કરાયેલા કામો, આયોજન, સ્માર્ટ સિટીમાં થયેલા કામો અને નવા વિસ્તારોમાં થયેલા કામો અને તેના આયોજન અંગેની વિગત પૂછી છે અને ચાલુ વર્ષ 2025માં વરસાદને કારણે રસ્તામાં કેટલી નુકસાની આવી, ખાડા પૂરવામાં કેટલો ખર્ચ વોર્ડવાઇઝ થયો તેની વિગતો, રાજકોટના 167 ચો. કી.મી.ના વિસ્તારમાં કાચા અને પાક્કા રસ્તા કેટલા છે, કેટલા રોડ રસ્તા બનાવવાના બાકી છે અને ચાલુ વર્ષમાં કેટલા રસ્તા બનાવવાના છે તેનું આયોજન પણ માંગ્યું છે. ભાજપના સભ્યોના પ્રશ્નોમાં પ્રશાસનિક વિગતો પર ભાર
બીજા ક્રમથી ભાજપના કોર્પોરેટરોના સવાલો શરૂ થાય છે. ભાજપના સભ્યોએ મુખ્યત્વે વહીવટી અને નાગરિક સુવિધા સંબંધિત પ્રશ્નો પૂછ્યા છે. જેમાં ફૂડ શાખાએ ચાલુ વર્ષમાં કેટલી વખત પેકડ પાણીના સેમ્પલ લીધા, સેમ્પલ લેવાના નિયમો, ફૂડ લાયસન્સની પ્રક્રિયા, રાત્રી સફાઇની કામગીરી, અને સ્પીડબ્રેકર અંગેના નિયમો પૂછ્યા છે. વળી, ખુલ્લા પ્લોટ ભાડે આપવાની નીતિ, પ્રવાસીઓની મુલાકાતથી RMCને થતી આવક, આવાસ યોજનાની સ્થિતિ, ડ્રેનેજ લાઇન નેટવર્ક, કોર્પોરેશનમાં રહેલા વાહનોની સંખ્યા, મેલેરીયા શાખાના કામ, ટેક્સની કામગીરી, દબાણ હટાવવાની કામગીરી, નવી ડીઆઇ પાઇપલાઇન, આરોગ્ય કેન્દ્રોની સંખ્યા અને તેના કામ અંગેની માહિતી પણ માંગી છે. આ સભામાં વશરામભાઇ સાગઠિયા, વિનુભાઇ સોરઠિયા, કાળુભાઇ કુંગસીયા, દુર્ગાબા જાડેજા, જયશ્રીબેન ચાવડા, સુરેશભાઇ વસોયા, પરેશભાઇ ડી. પીપળીયા, ડો. રાજેશ્રી ડોડીયા, પ્રીતિબેન દોશી, આશાબેન ઉપાધ્યાય, વિનુભાઇ ઘવા, વર્ષાબેન પાંધી, મીનાબા જાડેજા, કોમલબેન ભારાઇ, અને મકબુલભાઇ દાઉદાણી સહિતના 15 કોર્પોરેટરોએ પ્રશ્નો રજૂ કર્યા છે. ડે. કમિશ્નરની નિયુક્તિ સહિત 12 દરખાસ્તો પર મહોર
સામાન્ય સભાના એજન્ડા પર પ્રશ્નોત્તરી ઉપરાંત નામકરણ સહિતના કુલ 12 પ્રસ્તાવ (દરખાસ્ત) રજૂ કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ દરખાસ્ત નાયબ મ્યુનિ. કમિશનર વર્ગ-1ની નિયુક્તિ અંગેની છે.મનપાના નાયબ મ્યુનિ. કમિશનરની ખાતાકીય ભરતીમાં ઓફિસર સિલેક્શન કમિટીએ તાજેતરમાં હર્ષદભાઇ પટેલની પસંદગી કરી છે, જેને જનરલ બોર્ડની બહાલી મળશે. આ ઉપરાંત, જમીન કપાત સંબંધિત એક મહત્ત્વનો ફેંસલો પણ લેવામાં આવશે. શહેરના વોર્ડ નં. 2માં આવેલા કમલમ કાર્યાલય રોડ પર ભાજપના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના આસામીઓની જમીન ‘લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ’ હેઠળ કપાત કરીને રસ્તાને 8 મીટરથી 12 મીટરનો કરવામાં આવ્યો છે. તેઓને બદલામાં જમીન, વળતર, કે FSIનો વિકલ્પ આપવાની દરખાસ્ત અગાઉ વિવાદો વચ્ચે ત્રણ વખત પેન્ડિંગ રહ્યા બાદ મંજૂર થઈ હતી, જેને હવે બોર્ડમાં બહાલી માટે રજૂ કરવામાં આવી છે. અન્ય દરખાસ્તોમાં શહેરમાં 1056 આવાસોના લાભાર્થી નક્કી કરવા, વોર્ડ નં. 9માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબ બાજુના રોડને ‘દ્વારકાધીશ માર્ગ’ નામ આપવા, વોર્ડ નં. 3માં રેલનગરમાં સ્મશાન સામેના રોડ પર મુરલીધર સોસાયટી (સૂચિત) નજીક આવેલા ચોકને ‘મુરલીધર ચોક’ નામકરણ કરવાના પ્રસ્તાવનો સમાવેશ થાય છે. તેમજ સ્પોર્ટ્સ સુવિધાના ભાડામાં સુધારા અને ગઇકાલે મંજૂર થયેલી દુકાનોની હરાજીના વેચાણ સહિતની દરખાસ્તોને પણ આવતીકાલે મંજૂરીની મહોર મારવામાં આવશે. આવતીકાલની સામાન્ય સભા વિપક્ષના ધારદાર પ્રશ્નો અને મહત્ત્વપૂર્ણ દરખાસ્તોને કારણે ભારે ચર્ચાસ્પદ બને એવી સંભાવના છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *