ઉનાવા APMCમાં CCIનું MSP ખરીદી કેન્દ્ર શરૂ:સાંસદ હરિ પટેલની રજૂઆતથી મહેસાણાના ખેડૂતોને મળશે લાભ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

મહેસાણા જિલ્લાના કપાસ ઉત્પાદક ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઊંઝા નજીક ઉનાવા APMC ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા ટેકાના ભાવે (MSP) કપાસ ખરીદી કેન્દ્રનો આજથી પ્રારંભ થયો છે. આ કેન્દ્ર શરૂ થવાથી ખેડૂતોને તેમના કપાસના યોગ્ય ભાવ મળશે. આ કેન્દ્ર શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ મહેસાણા લોકસભા બેઠકના સાંસદ હરિભાઈ પટેલની સક્રિય રજૂઆત છે. જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર થાય છે, પરંતુ બજારમાં ભાવ નીચા હોવાથી ખેડૂતોને નુકસાન વેઠવું પડતું હતું. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને, સાંસદ હરિભાઈ પટેલે 21 ઓગસ્ટ, 2025 ના રોજ કેન્દ્રીય કપડા મંત્રી ગિરિરાજ સિંહને રજૂઆત કરી હતી. તેમની આ રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ મળતાં કેન્દ્રીય મંત્રીએ ઉનાવા APMCમાં MSP કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ કેન્દ્રમાં ખેડૂતો સરકાર દ્વારા નિર્ધારિત ટેકાના ભાવે પોતાનો કપાસ વેચી શકશે. આનાથી બજારના ઓછા ભાવના કારણે થતું નુકસાન અટકશે અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વળતર મળશે. સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે, આ નિર્ણયથી ખેડૂતોને ઘર આંગણે જ MSPનો લાભ મળશે. આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના તેમજ આસપાસના જિલ્લાઓના હજારો કપાસ ઉત્પાદક ખેડૂતોને સીધો લાભ થશે. ખેડૂતોમાં આ નિર્ણયને લઈને ખુશીનો માહોલ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે આજથી કપાસ લઈને આવેલા ખેડૂતોને આ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *