બોલીવુડ અભિનેત્રી કંગના રણૌત આજે પોતાના ભત્રીજા સાથે દ્વારકા પહોંચી હતી. તેણે દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. વારગર પૂજારી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના ચરણ પાદુકા પૂજન કરાવવામાં આવ્યું હતું. દર્શન બાદ કંગના રણૌતે જણાવ્યું કે, તે હંમેશા દ્વારકાધીશની કૃપા મેળવવા આવે છે. આજે ભત્રીજા સાથે આવીને ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવાનો સૌભાગ્ય મળ્યો છે. તેણે દ્વારકાની દિવ્યતાના વખાણ કરતા કહ્યું કે, દ્વારકાધીશની પવિત્ર ભૂમિ પર આવવાથી મનને અદભૂત શાંતિ અને શક્તિ મળે છે. કંગનાએ વધુમાં કહ્યું કે ભગવાન દ્વારકાધીશ ફક્ત દ્વારકાના રાજા નહીં, પરંતુ વિશ્વના રાજા છે. તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા જણાવ્યું કે, વડાપ્રધાને દ્વારકાને સેતુની ભેટ આપી છે. કંગનાએ વિકાસ કાર્યો પર વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેર્યું કે, તેને વિશ્વાસ છે કે દ્વારકા નગરીને મોર્ડન સિટી બનાવવામાં આવશે. મંદિર પરિસરમાં કંગનાના સાદગીભર્યા દર્શન અને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિએ ભાવિકોમાં વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા અને દ્વારકાધીશનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો.
કંગના રણૌત ભત્રીજા સાથે દ્વારકાધીશના દર્શને પહોંચી:ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મેળવ્યા, PM મોદીના વિકાસ કાર્યોના વખાણ કર્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
