ગાંધીધામ તાલુકાના કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ખાતે ફરજ દરમિયાન જીવ ગુમાવનાર કર્મચારીઓના વારસદારોએ નોકરીની માંગ સાથે પોર્ટ સંકુલ સામે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ આ વારસદારો પોર્ટ પ્રશાસન સામે પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે. અંદાજીત 440 જેટલા વારસદારો પૈકી મોટી સંખ્યામાં નોકરીવાંચ્છુકો અચોક્કસ મુદ્દતના ધરણા પર બેઠા છે. આ આંદોલન છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી માંગણીઓનો એક ભાગ છે. સ્વૈચ્છિક સંસ્થાના જિલ્લા સંયોજક હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી પોર્ટ ખાતે કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીઓના સંતાનો કે વારસદારોને નોકરી પર લેવામાં આવ્યા નથી. આ કારણે જરૂરિયાતમંદ લોકોના હિત માટે આ ધરણા શરૂ કરાયા છે. મહત્વનું છે કે, ગત વર્ષે પણ આ જ બાબતે અનેક રજૂઆતો અને સંઘર્ષ બાદ કુલ 17 વારસદારોને પોર્ટ ખાતે નોકરી અપાઈ હતી. જોકે, બાકી રહેલા 440 જેટલા વારસદારોને હજુ સુધી તેમના વડીલોની અવેજીમાં નોકરી મળી શકી નથી. જો કંડલા પોર્ટ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડ્યે રસ્તા રોકી ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દરમિયાન, ગરીબ વર્ગના નોકરી વંચિત વારસદારોના મામલે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના જનપ્રતિનિધિ ઓમપ્રકાશ દાદલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેઓએ ફોન રિસીવ ન કરતાં તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
કંડલા પોર્ટ સામે વારસદારોના ધરણા શરૂ:જીવ ગુમાવનાર કર્મચારીઓના વારસદારોએ નોકરીની માંગ કરી, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
