- મહારાષ્ટ્રથી રવાના થયેલ દારૂ સાથે 6 શખ્સો ઝડપાયા
- અન્ય એક કાર દ્વારા કરાતું હતું ટ્રકનું પાયલોટીંગ
- કુલ 12 લાખ થી વધુનો મુદામાલ જપ્ત કરાયો
કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ પાસેથી પોલીસે 960 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ, ટ્રકનું પાયલોટીંગ કરી રહેલ કારમાંથી પણ ચાર શખ્સોને ઝડપી રૂ. સાડા 12 લાખની કિંમતનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
કુતિયાણાના PSI એ. બી. દેસાઈ તથા સ્ટાફ ચૌટા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન એક આઈસર ટ્રક શંકાસ્પદ જણાતા તેને અટકાવી તલાશી લેતા ટ્રક માંથી કપડાની થેલીઓ ભરેલ બાચકા નીચેથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની કુલ 80 પેટી દારૂ મળી આવ્યો હતો. આથી, પોલીસે રૂ. 4,08,960 ની કિંમતની આ 960 બોટલ કબજે કરી ચાલક તથા તેની સાથે રહેલ શખ્સની પુછપરછ કરતા ચાલકે પોતાનું નામ અર્જુન મુન્નાલાલ ગુપ્તા (ઉવ 31, રહે. ગૌતમ નગર સેન્ચરી કોલોની પાછળ, ઉલ્હાસનગર) હોવાનું તથા સાથે રહેલા શખ્સે પોતાનું નામ હીરો ઈશ્વરભાઈ વરંદાની (ઉવ 37, રહે.ચાંદ એપાર્ટમેન્ટ, સાધુ વાસવાની સ્ટેચ્યુ, ઉલ્હાસનગર) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા આ દારૂ ઉલ્હાસનગર રહેતા નીકી ડીંગરા નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવ્યું હતું અને આગળ પાયલોટીંગ કરી રહેલ કારમાં બેઠેલા હિતેશ રમેશ દામા (ઉવ 37, રહે. સંજયનગર, માનપાડા રોડ, બોરીવલી પૂર્વ માનપાડા રોડ)નામનો શખ્સ કહે તે મુજબ ડીલીવરી આપવાની હોવાનું જણાવ્યું હતું. પોલીસે પીછો કરી પોરબંદર તરફ જઈ રહેલ કાર પણ અટકાવી કારમાં બેઠેલા હિતેશ ઉપરાંત મયુર અશોકભાઈ સોંદરવા (ઉવ 21, રહે. રાધિકા એપાર્ટમેન્ટ, મધુરમ ગેઇટ પાસે, જુનાગઢ મૂળ રહે. ભૂખી ચોકડી પાસે ધોરાજી), રેનીશ કિશોરભાઈ ભાસ્કર (ઉવ 23, રહે. મધુરમ બાયપાસ, જુનાગઢ), હિરેન ઉર્ફે ઘોળી શંકરભાઈ ભક્કડ (ઉવ 26, રહે. દિગ્વિજય પ્લોટ જામનગર)ની પણ ધરપકડ કરી હતી. પોલીસે દારૂ ઉપરાંત 30,000ની કિંમતના કપડાની થેલી ભરેલા 30 બાચકા, રૂ. 6 લાખની કિંમતનો ટ્રક, બે લાખની કિંમતની ઇકો કાર, 7000ની કિંમતના 8 મોબાઈલ મળી કુલ 12,45,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી દારૂનો આ જથ્થો કોને આપવાનો હતો તે સહીતની વધુ તપાસ હાથ ધરી છે.
