સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને એક મોટો મુદ્દો સામે આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં લગભગ 20થી 25 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ અચાનક એક ગેરકાયદેસર દારૂના અડ્ઢા પર રેડ કરતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેન્સર હોસ્પિટલથી 300 મીટર ખુલ્લેઆમ ધમધમતો દારૂનો અડ્ડો
કોંગ્રેસનો ખેસ પહેરીને પહોંચેલા કાર્યકર્તાઓએ જ્યારે દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ રેડ દરમિયાન દારૂના અડ્ડા પર અનેક વિદેશી દારૂની બોટલો, બિયરની ટીમ મળી આવી હતી. તેમજ ચારથી પાંચ જટેલા ટેબલ પર દારૂની બોટલો અને ચખણા પણ જોવા મળ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ દારૂનો અડ્ડો ભરત કેન્સર હોસ્પિટલથી માત્ર 300 મીટર ટૂંકા અંતરે જ ખુલ્લેઆમ ધમધમી રહ્યો હતો. જે સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કરે છે. કોંગ્રેસે દારૂના અડ્ડા પરની રેડ ફેસબુક પર લાઈવ કરી
કોંગ્રેસના નેતાઓએ આ સમગ્ર રેડની ઘટનાને ફેસબુક પર લાઈવ કરી હતી જેના કારણે આ ઘટનાએ શહેરભરમાં ભારે ચકચાર જગાવી છે. દારૂનો જથ્થો મળતા જ કોંગ્રેસના નેતાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી. બેરોકટોક ચાલતા દારૂના અડ્ડાઓ પર અમે રેડ કરીશું: વિપુલ ઉધનાવાલા
કોંગ્રેસના પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનેક જગ્યાએ આવી જ રીતે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. અમે અત્યારે રેડ કરવાની શરૂઆત કરી છે. આવનારા દિવસોમાં જો આવી જ રીતે બેરોકટોક દારૂના અડ્ડાઓ ચાલતા રહેશે તો અમે વધુ રેડ કરીશું અને કાયદા વ્યવસ્થાની નિષ્ફળતાને જનતા સામે લાવીશું. પોલીસ રિક્ષામાં દારૂની બોટલો ભરીને રવાના થઈ હતી
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માથે છે ત્યારે કોંગ્રેસે ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ અને કાયદા વ્યવસ્થાને મુખ્ય મુદ્દો બનાવવાની રણનીતિ અપનાવી છે. હોસ્પિટલ નજીક જ દારૂનો અડ્ડો ચાલવો અને વિપક્ષ દ્વારા રેડ કરવી આ ઘટનાએ સત્તાધારી પક્ષ અને પોલીસ તંત્ર પર મોટું દબાણ ઊભું કર્યું છે. જોકે, પોલીસ રિક્ષામાં ત્રણ-ચાર થેલામાં દારૂની બોટલો ભરીને રવાના થઈ હતી, પરંતુ અત્યાર સુધી ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી.
કોંગ્રેસના કાર્યકર્તાઓની દારૂના અડ્ડા પર રેડ:ભરત કેન્સર હોસ્પિટલથી 300 મીટર દૂર દારૂનો અડ્ડો, કોંગ્રેસ પ્રમુખે કહ્યું- બેરોકટોક ચાલતા અડ્ડાઓ પર અમે આ રીતે રેડ કરીશું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
