હળવદ કોરીડોર માટે અદાણી કંપનીના વાંઢીયામાંથી વીજ પોલ પસાર થઇ રહ્યા છે, ત્યાં ખેડૂતોને કંપની દ્વારા પુરતું વળતર ન મળતા ખેડૂતો અને પોલીસ વચ્ચે એક સપ્તાહથી સંઘર્ષ ચાલી રહ્યો છે, ત્યારે કલેકટર સમક્ષ રજૂઆત સમયે ખેડૂતની પીડા એટલી ઊંડી હતી કે સાંભળનારનું હૃદય દ્રવી જાય. 765 KV લાઇનના વળતર માટે રોજ પોલીસની અટકાયત અને કંપનીના દબાણ વચ્ચે ખેડૂતો માનસિક રીતે તૂટી ગયા છે. આ ખેડૂત કલેક્ટર સમક્ષ ઉભો થયો ત્યારે તેણે ગળા ભરેલા અવાજે કહ્યું “સાહેબ અનેક વખત રજૂઆત કરી કોઈ સાંભળતું નથી’’. આંખોમાંથી ઠલવાતા આંસુઓમાં તેની મહેનત, ઘરનું ભવિષ્ય અને અન્નનો આધાર બધું જ વહેતું હતું. ન્યાયની આશામાં તૂટી પડેલો આ ખેડૂત વાંઢીયાની આખી પીડાનું પ્રતિક બની ગયો છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો વાંઢીયાના ખેડૂતોને ન્યાય મળે તે માટે કચ્છ કલેક્ટરને મળ્યા હતા. અને કચ્છ જિલ્લામાં વીજ વહન તથા વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનમાં ગેરરીતિપૂર્વક કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા. આગેવાનો જયેશભાઇ પટેલ, ડાયાભાઈ ગજેરા, પાલભાઈ આંબલિયા સહિતના નેતાઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે કંપનીઓ નિયમો અને કાયદાઓની અવગણના કરીને ઉભા પાકમાં જેસીબી ચલાવી વીજ પોલ ઉભા કરી રહી છે, જ્યારે તંત્ર માત્ર મુક પ્રેક્ષક બની રહ્યું છે. ખેડૂત પક્ષે કલેક્ટરને 24 તારીખ સુધીમાં તપાસના સ્પષ્ટ જવાબ આપવાનો અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. જો યોગ્ય ન્યાય ન મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી.
ખેડૂતોનો સંઘર્ષ:..અને દ્રવિત ખેડૂતે કાળજું ચીરતી વેદના ધ્રુસકે-ધ્રુસકે રડીને કલેકટરને સંભળાવી
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
