ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. 7 ગામના ગ્રામજનો દ્વારા બેનરો સાથે રેલી
ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજે કલેકટર કચેરીએ હાથમાં બેનરો સાથે 250થી વધુ લોકો રેલી સ્વરૂપે પહોંચ્યા હતાં. પાંચ પ્રશ્નોના નિકાલની માગ
મહામંડળ દ્વારા મુખ્યત્વે પાંચ પ્રશ્નોના નિકાલની માંગણી કરવામાં આવી છે. અસરગ્રસ્તોની માગ છે કે, 1997ની મંત્રી સ્તરની બેઠકો અને મહેસૂલ વિભાગના 2016ના પરિપત્ર મુજબ મકાનોના ભોગવટાને નિયમિત કરી આપવા, 7 ગામના મૂળ નિવાસીઓને રહેણાંકની જરૂરિયાત પૂરી કરવા માટે નવા આવાસ બનાવી આપવા અથવા રહેણાંકના પ્લોટ ફાળવવા, સરદાર સરોવરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને જે લાભો (રહેણાંકના પ્લોટ/ખેતીની જમીન) મળ્યા છે, તેવા જ લાભો ગાંધીનગરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવા આવે. ઉપરાંત અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલ ચીપટાઇપની દુકાનોને ભાડા પદ્ધતિના બદલે માલિકી હકકે ફાળવવામાં આવે. 7 ગામોને ગાંધીનગર શહેર સમકક્ષ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. ‘પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો’
આ અંગે મહામંડળ પ્રમુખ ભરતસિંહ બિહોલા જણાવ્યું છે કે, આ પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પ્રશ્નોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તા. 15 જૂન 2022 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તા. 3 જુલાઈ 2023 ના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પણ આ બાબતે બેઠક મળી હતી. મુખ્ય સચિવએ અગ્ર સચિવ (શહેરી વિકાસ વિભાગ), કલેકટર ગાંધીનગર અને મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને આ પ્રશ્નો અંગેની જરૂરી વિગતો તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. બે વર્ષથી વધુ સમય વીત્યો કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી
જોકે, મુખ્ય સચિવની સૂચનાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે 7 ગામના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ‘હકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન થશે’
મહામંડળે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, જો આ પ્રશ્નો બાબતે તાકીદે હકારાત્મક નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપીને આંદોલન શરૂ કરવામાં આવશે.
ગાંધીનગરના 7 ગામોના ગ્રામજનોમાં અસંતોષ:લાંબા સમયથી વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતા આક્રોશ રેલી કાઢી કલેકટર કચેરી પહોંચ્યા, આંદોલનની ચીમકી
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
