છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામમાં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા ‘ગામ સાઈ ઇન્દ’ની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. ‘ગામ સાઈ ઇન્દ’ એ આદિવાસી સમાજની એક પરંપરા છે, જેમાં દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ એ છે કે તેનું આયોજન 60થી 70 વર્ષના લાંબા ગાળા પછી થાય છે. તેને ‘દેવોની પેઢી બદલવાનો’ મેળો પણ કહેવાય છે. આ ધાર્મિક વિધિ દરમિયાન ગામના પૂજારી (બળવા) અને પુંજારા દ્વારા દેવોના નવા ઘોડા અને નવા ખુટનું સ્થાપન કરવામાં આવે છે. આ પ્રક્રિયા નવી પેઢીમાં દેવતાઓના આશીર્વાદ અને પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે. ‘ગામ સાઈ ઇન્દ’ના મેળામાં ગામના લોકો અને આદિવાસી સમાજના અન્ય વિસ્તારોમાંથી ભક્તો પોતાના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને ભાગ લે છે. મેળામાં ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે આદિવાસીઓ પરંપરાગત નૃત્ય-ગાન કરીને ઉજવણી કરે છે. આ ઐતિહાસિક આયોજન દ્વારા નવી પેઢીને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું જ્ઞાન મળે છે. તે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે.
'ગામ સાઈ ઇન્દ' ઉત્સવ;60-70 વર્ષ પછી ઉજવણી:પાવીજેતપુરના ભેંસાવહી ગામે આદિવાસી પરંપરાનું પુનરુત્થાન
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
