દિલ્હી ખાતે યોજાયેલી 36મી સિનિયર નેશનલ ફેન્સિંગ (તલવારબાજી) ચેમ્પિયનશિપમાં ગુજરાતની મહિલા ટીમે પ્રથમવાર બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ વિજેતા ટીમમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ભક્તિ પટેલનો પણ સમાવેશ થતો હતો, જેણે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપ 15 નવેમ્બરથી 19 નવેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાઈ હતી. ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ક્વાર્ટર ફાઇનલમાં દિલ્હીની ટીમને 15-7 થી હરાવી હતી. ત્યારબાદ, સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે મણિપુર સામેની મેચમાં 45-40 થી વિજય મેળવ્યો હતો. જોકે, સેમિફાઇનલમાં 45-33 થી હાર થતા ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ફેન્સિંગ ખેલાડી ભક્તિના પિતા જયેશભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો તે ઐતિહાસિક સિદ્ધિ છે. મિતવા, ભક્તિ જયેશભાઈ પટેલ (હિંમતનગર), અમીષા અને સિદ્ધિની ટીમે આ સિદ્ધિ મેળવી છે. ફેન્સિંગના ઇતિહાસમાં નેશનલ સિનિયર ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમને પ્રથમવાર આ સફળતા મળી છે.
ગુજરાતની ટીમને પ્રથમવાર બ્રોન્ઝ મેડલ:ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં મહિલા ટીમે ઇતિહાસ રચ્યો, સાબરકાંઠાની ભક્તિ પણ સામેલ
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
