ગુજરાત સરકાર કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપે છે:સરસ્વતી સાધના યોજના હેઠળ ડબકા હાઈસ્કૂલમાં 195 સાયકલ અપાઈ

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

ડબકા હાઈસ્કૂલ, ડબકા ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત કુલ 195 કન્યા વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવ્યું. ગુજરાત સરકાર દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક યાત્રાને સરળ બનાવવા માટે આ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ધોરણ-9માં પ્રવેશ મેળવતી તમામ કન્યાઓને મફત સાયકલ આપવામાં આવે છે. વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન અભ્યાસ કરતી ડબકા હાઈસ્કૂલની 195 વિદ્યાર્થીનીઓ માટે નાયબ નિયામક, નર્મદા ભવન, વડોદરા દ્વારા સાયકલની મંજૂરી અપાઈ હતી, જેનું વિતરણ હાલમાં કરાયું. સાયકલ વિતરણ સમારોહ શાળાના શિક્ષકમંડળની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યએ રાજ્ય સરકારની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું કે, સાયકલ મળવાથી કન્યા વિદ્યાર્થીનીઓની શાળામાં હાજરી વધશે, તેમનો સમય બચશે અને તેઓ વધુ આત્મનિર્ભર બનશે. સાયકલ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીનીઓએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, હવે તેમને શાળાએ આવવા-જવાની મુશ્કેલીઓ દૂર થશે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓ માટે આ યોજના અત્યંત લાભદાયી સાબિત થશે. વિતરણ સમયે શાળા પરિસરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. શાળાના સુપરવાઈઝરે સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, આવી સરકારી યોજનાઓના અસરકારક અમલથી શિક્ષણમાં કન્યાઓનો સમાવેશ વધે છે અને “બેટી બચાવો, બેટી પઢાવો”ના ધ્યેયને વધુ બળ મળે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક મંડળ અને શાળાના કર્મચારીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *