ગોધરા શહેરમાં શંકાસ્પદ માંસનો મોટો જથ્થો ઝડપાયો છે. શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ કાર્યવાહી કરી હતી. માંસની હેરાફેરી કરનારા આરોપીઓ વાહન મૂકી ફરાર થઈ ગયા હતા, જેમણે ભાગતી વખતે અનેક બાઈકને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ અને પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તા પ્રગ્નેશ સોનીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે યુનુસ એહમદ સિદ્દીક ભાગલીયા અને મોહમ્મદ અલી રહેમત ઉર્ફે ભોભો ઇનોવા કારમાં ગૌમાંસનો જંગી જથ્થો લાવી રહ્યા છે. આ બાતમીના આધારે, પોલીસે અને પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ 18 નવેમ્બરના રોજ નિર્ધારિત જગ્યાએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ વાહનને પૂરઝડપે હંકારી મૂક્યું. પોલીસ અને ગૌરક્ષકોએ વાહનનો પીછો કર્યો. લાંબા પીછો કર્યા બાદ ઇનોવા કાર ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુખી ચોકડી પાસે પહોંચી, જ્યાં તેણે અનેક ટુ-વ્હીલર વાહનોને અડફેટે લીધા. આ ઘટનામાં ઇનોવા કારનું ટાયર ફાટી જતાં ગાડીમાં બેઠેલા ઇસમો નાસી છૂટ્યા. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી 1680 કિલોગ્રામ શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો. પોલીસે માંસનો જથ્થો અને વાહન મળીને કુલ 6.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ માંસ ગૌમાંસ હોવાની આશંકાએ તેને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું છે.
ગોધરામાં 1680 કિલોગ્રામ શંકાસ્પદ માંસ ઝડપાયું:આરોપીઓ વાહન મૂકી નાસી છૂટ્યા, 6.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
